મુખ્ય સમાચાર
News of Tuesday, 10th December 2019

તમામ બાબત સ્પષ્ટ થશે તો જ બિલને ટેકો : ઉદ્ધવ ઠાકરે

રાજ્યસભામાં બિલ રજૂ થાય તે પહેલા નિવેદન : રાહુલ ગાંધીએ શિવસેના સહિત બીજા પક્ષોને ઇશારામાં સંકેત આપ્યા બાદ ઉદ્ધવ ઠાકરે દ્વારા અંતે કરાયેલું નિવેદન

નવી દિલ્હી, તા. ૧૦ : લોકસભામાં શિવસેનાએ ભલે નાગરિક સુધારા બિલને સમર્થન આપ્યું છે પરંતુ રાજ્યસભામાં વલણ બદલી શકે છે. કોંગ્રેસ અને એનસીપીની સાથે મળીને ગઠબંધન ચલાવી રહેલા શિવસેના વડા ઉદ્ધવ ઠાકરેએ આજે કહ્યું હતું કે, બિલ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવે તે જરૂરી છે. આજે જ ટ્વિટ કરીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શિવસેના સહિત બીજા પક્ષોને ઇશારામાં બિલનો વિરોધ કરવાની વાત કરી હતી. રાહુલે કહ્યું હતું કે, જે પણ આ બિલને સમર્થન આપી રહ્યા છે તે દેશના મૂળભૂત માળખા પર હુમલા કરી રહ્યા છે. ત્યારબાદ જ શિવસેના વડા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, જ્યાં સુધી બિલના સંદર્ભમાં તમામ માહિતી સ્પષ્ટ થતી નથી ત્યાં સુધી અમે સમર્થન કરીશું નહીં. શિવસેના દ્વારા લોકસભામાં બિલને સમર્થન આપવામાં આવ્યા બાદ કોંગ્રેસ પાર્ટીએ હેરાનગતિ વ્યક્ત કરી હતી. મહારાષ્ટ્રમાં સરકારમાં સામેલ એનસીપીના પ્રવક્તા નવાબ મલીકે કહ્યું હતું કે, બંને પાર્ટીઓ અલગ છે.

          દરેક મુદ્દા પર એક સમાન અભિપ્રાય રહે તે જરૂરી નથી. ઉદ્ધવ ઠાકરેનું કહેવું છે કે જ્યાં સુધી બિલના સંદર્ભમાં તમામ માહિતી સપાટી ઉપર આવતી નથી ત્યાં સુધી તમામ બાબતો સ્પષ્ટ થતી નથી. ભાજપની ઝાટકણી કાઢતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે, આ એક ભ્રમની સ્થિતિ છે કે, જે પણ અસહમત છે તે દેશદ્રોહી છે. નાગરિક સુધારા બિલમાં કેટલાક ફેરફાર માટે સૂચન કરી ચુક્યા છે. રાજ્યસભામાં વિસ્તૃત ચર્ચા થવી જોઇએ. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, શિવસેના રાજ્યસભામાં એ વખત સુધી નાગરિક સુધારા બિલનું સમર્થન કરશે નહીં જ્યાં સુધી પાર્ટી દ્વારા લોકસભામાં ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબ મળતા નથી.

(7:55 pm IST)