મુખ્ય સમાચાર
News of Tuesday, 10th December 2019

છેલ્લા એક વર્ષમાં ૪પ ટકા ભારતીયોએ લાંચ ચુકવી છે

હાલમાં જ કરવામાં આવેલા સર્વેનું તારણ : પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદશે ભ્રષ્ટાચારના મામલામાં ટોપ પર : મહારાષ્ટ્રમાં પણ આંકડો ચિંતાજનક રહ્યો છે

નવી દિલ્હી,તા. ૧૦: હાલમાં જ કરવામાં આવેલા એક રસપ્રદ સર્વેમાં જણવા મળ્યું છે કે, ૪૫ ટકા ભારતીયોએ છેલ્લા વર્ષમાં લાંચની ચુકવણી કરી છે. કામ મેળવવા માટે છેલ્લા વર્ષમાં લાંચની ચુકવણી કરવાની ફરજ પડી છે. ગયા વર્ષે પણ આવા જ એક સર્વેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ૪૩ ટકા ભારતીયો દ્વારા છેલ્લા વર્ષમાં લાંચની ચુકવણી કરી હતી. સર્વેમાં ભાગ લેનાર ૩૪૬૯૬ લોકો પૈકના ૩૭ ટકા લોકોએ કબૂલાત કરી છે કે, ભ્રષ્ટાચારમાં વધારો થયો છે. જ્યારે ૧૪ ટકા લોકોએ કહ્યું છે કે, ભ્રષ્ટાચારમાં ઘટાડો થયો છે. ૪૫ ટકા લોકો હજુ પણ માને છે કે, સ્થિતિમાં કોઇ સુધારો થયો નથી. પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશ ભ્રષ્ટાચારના મામલામાં સૌથી કંગાળ દેખાવ ધરાવે છે. ૭૧ ટકા લોકોએ કહ્યું છે કે, તેમના રાજ્યોમાં ભ્રષ્ટાચારમાં વધારો થયો છે. મહારાષ્ટ્રમાં માત્ર ૧૮ ટકા લોકો માની રહ્યા છે કે, વધારો થયો છે જ્યારે ૬૪ ટકા લોકોનું કહેવું છે કે, સ્થિતિમાં કોઇ ફેરફાર થયો નથી.

દિલ્હીમાં મિશ્ર પ્રતિક્રિયા મળી છે. ૩૩ ટકા લોકોનું કહેવું છે કે, ભ્રષ્ટાચારમાં વધારો થયો છે. ૩૮ ટકા લોકોએ કહ્યું છે કે, સ્થિતિ યથાવત રહી છે. દિલ્હીમાં મહત્તમ સંખ્યામાં લોકો રાહત મેળવી રહ્યા છે. બીજા અન્ય રાજ્યોમાં જ્યાં લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા છે તેમાં ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. ભ્રષ્ટાચારના આંકડાને લઇને ટ્રાન્સપરેન્સી ઇન્ટરનેશનલ ઇન્ડિયાના પંકજ કુમારે માહિતી આપતા કહ્યું છે કે, તમામ લોકોના અભિપ્રાય લેવા માટે જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ તંત્ર, પોલીસ, ટેક્સ, પાવર, પ્રોપર્ટી રજિસ્ટ્રેશન, ટેન્ડર મામલે ભ્રષ્ટાચાર વધારે છે.

(4:01 pm IST)