મુખ્ય સમાચાર
News of Tuesday, 10th December 2019

બીઓબી, એચડીએફસી દ્વારા MCLRમાં કરાયેલો ઘટાડો

એસબીઆઈ બાદ અન્ય બેંકો દ્વારા ઘટાડો : બેંક ઓફ બરોડામાં દરમાં ઘટાડો ૧૨મીથી અમલી થશે

મુંબઈ, તા. ૧૦ : એસબીઆઈ બાદ આજે બેંક ઓફ બરોડા જે દેશની બીજી સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક છે તેના દ્વારા આજે બેંચમાર્ક ધિરાણના દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જુદી જુદી અવધિ માટે એમસીએલઆરના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એક વર્ષના એમસીએલઆર હવે ૮.૨૫ ટકા રહેશે તેમાં પાંચ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. નવેસરના રેટમાં કાપ ૧૨મી ડિસેમ્બરથી અમલી બનાવવામાં આવશે. એક દિવસ અને એક મહિના માટે ૨૦ બેઝિક પોઇન્ટ સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ દર ૭.૮૫ ટકાથી ઘટીને ૭.૬૫ ટકા થયો છે. આવી જ રીતે ત્રણ મહિના અને છ મહિનાના એમસીએલઆરમાં ૧૦ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરાયો છે. આ દર હવે ૭.૯ ટકાથી ઘટીને ૭.૮ ટકા થયો છે. એચડીએફસી બેંક દ્વારા પણ જુદી જુદી અવધિ માટે લોનના રેટમાં ઘટાડો ૧૫ બેઝિક પોઇન્ટ સુધીનો કર્યો છે. નવેસરના વ્યાજદરમાં કાપ રજૂ કરવામાં આવ્યા બાદ લોકોને રાહત થશે.

           અત્રે નોંધનીય છે કે, એસબીઆઈએ તેના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ આધારિત ધિરાણદર (એમસીએલઆર)માં ગઇકાલે સોમવારના દિવસે ૧૦ બેઝિક પોઇન્ટ સુધીનો ઘટાડો કરી દીધો હતો. એક વર્ષ સુધીની અવધિ માટે લોન માટે ૧૦ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. એસબીઆઈના ઘટાડવામાં આવેલા એમસીએલઆરના દર આજે ૧૦મી ડિસેમ્બરથી અમલી થઇ ચુક્યા છે.  એસબીઆઈએ એમસીએલઆરના દર ઘટાડ્યા છે પરંતુ ડિપોઝિટના રેટ યથાવત રાખવામાં આવ્યા છે. નાણાંકીય વર્ષમાં એમસીએલઆરમાં એસબીઆઈ દ્વારા આઠમી વખત ઘટાડો કરવામાં આવ્યો છે. છેલ્લા મહિનામાં પાંચ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો.   એસબીઆઈએ ટર્મ ડિપોઝિટ પર વ્યાજદરમાં કોઇ ફેરફાર કર્યા નથી. નવેમ્બર ૨૦૧૯માં ડિપોઝિટના રેટમાં ૧૫ અને ૭૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરાયો હતો. સિસ્ટમમાં અપૂરતી લિક્વિડીટીથી આ ઘટાડો કરાયો હતો.

(8:05 pm IST)