મુખ્ય સમાચાર
News of Tuesday, 10th December 2019

નિર્ભયાકાંડના દોષિતોને ફાંસી આપવા માટેનો માંચડો તૈયાર, ૧૦૦ કિલોના પૂતળા પર ટ્રાયલ કરી

જેલના એસપીએ જણાવ્યું કે જેલના ડિરેકટોરેટને ૧૦ દોરડા તૈયાર રાખવાની સૂચના મળી છે

પટણા, તા.૧૦: તિહાર જેલમાં સજા ભોગવી રહેલા નિર્ભયા ગેંગરેપના ચારેય દોષિતોને ફાંસીના માચડા પર લટકાવવા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જો કે, હજી સુધી જેલ પ્રશાસન પાસે ફાંસી માટેનો કોઈ અંતિમ પત્ર નથી આવ્યો. પરંતુ તે પહેલાથી જ જેલ પ્રશાસને ફાંસી માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ચારેય દોષિતોમાંથી જેનું વજન સૌથી વધારે છે તેનાથી પણ થોડા વધારે વજનનું પૂતળું બનાવીને તેને એક કલાક સુધી ફાંસીના માચડે લટકાવી રાખ્યું હતું. આ પૂતળાનું વજન ૧૦૦ કિલોનું હતું જેમાં રેતી ભરી હતી.

ફાંસીના દોરડા બનાવવામાં નિપુણતા ધરાવતી બિહારના બકસર જિલ્લાની એક જેલને આ અઠવાડિયાના અંત સુધી ૧૦ નંગ દોરડા તૈયાર રાખી દેવાની સૂચના અપાઇ છે. આનાથી એવી અટકળો વહેતી થઇ છે કે ૨૦૧૨ના નિર્ભયા કેસના દોષિતોને ફાંસીના માચડે લટકાવી દેવાની તૈયારીઓ થઇ ગઇ છે. રાજયની એક માત્ર જેલ બકસર જેલમાં જ ફાંસીના દોરડા બનાવવાની વ્યવસ્થા છે. આ અંગેની સૂચના આપી દેવાઇ છે. જોકે આ દોરડા કયાં મોકલવાના છે તેની કોઇ માહિતી અપાઇ નથી.

બકસર જેલના એસપી વિજય કુમારે જણાવ્યું હતું કે 'અમને ૧૪ ડિસેમ્બર સુધી ૧૦ દોરડા તૈયાર રાખવાની સૂચના જેલના ડિરેકટોરેટને આપી છે. જો કે તેનો ઉપયોગ કયાં કરાશે તે અંગે અમે જાણતા નથી. પરંતુ બકસર જેલ ફાંસીના દોરડા તૈયાર કરવાની એક લાંબી પરંપરા ધરાવે છે.'

એક દોરડું તૈયાર કરવામાં આશરે ત્રણ દિવસ લાગે છે. આમાં મેન્યુઅલ લેબરની જરૂર પડે છે. મશીનોનો દ્યણો ઓછો ઉપયોગ થાય છે તેમ જણાવતાં જેલ એસપીએ કહ્યું હતું કે 'આ જેલમાંથી સંસદ હુમલાના આરોપી અફઝલ ગુરુને ફાંસી આપવા માટે દોરડા મોકલવામાં આવ્યા હતા.'

(3:41 pm IST)