મુખ્ય સમાચાર
News of Tuesday, 10th December 2019

રિલાયન્સ જિયોએ ૯૮નો પ્લાન ફરી લોન્ચ કર્યો

મુંબઈ,તા.૧૦: રિલાયન્સ જિયોએ પોતાના ૯૮ રૂપિયાવાળા પ્લાનને અપડેટ કર્યો છે. પોતાના ટેરિફ પ્લાનને મોંઘા કર્યાના થોડા જ દિવસોમાં આ પ્લાનને ફરી લાવવામાં આવ્યો છે. હવે જિયોએ આ પ્લાનમાં થોડો ફેરફાર કરીને એમએમએસની સંખ્યા વધારી દીધી છે. જણાવી દઈએ કે ૩ ડિસેમ્બરથી એરટેલ અને વોડાફોન-આઈડિયાએ પોતાના ટેરિફ પ્લાન મોંઘા કરી દીધા હતા.

આ બાદ ૬ ડિસેમ્બરે રિલાયન્સ જિયોએ પોતાના બધા ટેરિફ પ્લાનની કિંમતોને બદલી દીધા હતા. એવામાં કંપનીનો સૌથી નાનો પ્લાન ૧૨૯ રૂપિયાનો થઈ ગયો હતો અને ૯૮ રૂપિયાવાળો જૂનો પ્લાન બંધ કરી દીધો હતો. જોકે હવે આ નિર્ણયના કેટલાક દિવસો બાદ જ કંપનીએ એકવાર ફરી ૯૮ રૂપિયાવાળો પ્લાન રજૂ કર્યો છે.

રિલાયન્સ જિયોએ ૯૮ રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી ૨૮ દિવસની કરી છે, તેમાં ગ્રાહકોને કુલ ૨જીબી ડેટા મળે છે. ડેટા લિમિટ ખતમ થયા બાદ સ્પીડ ઘટીને 64kbps થઈ જાય છે. આ ઉપરાંત જિયોથી જિયો નેટવર્ક પર કોલિંગ ફ્રી રહે છે. અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે અલગ ચાર્જ આપવો પડે છે. કંપનીના આ પ્લાનમાં સાથે જ IUC વાઉચર લેવાની સુવિધા આપે છે. ઉપરાંત હવે આ પ્લાનમાં 300SMS મળશે જે પહેલા 100SMS હતા.

જણાવી દઈએ કે એરટેલ અને વોડાફોનના ૯૮ રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી ૨૮ દિવસની છે. જોકે તેમાં કોઈ પ્રકારની કોલિંગની સુવિધા અથવા ટોકટાઈમ નથી મળતો. આ એક ઈન્ટરનેટ પ્લાન છે જેમાં ૬જીબી ડેટા મળે છે.

(1:12 pm IST)