મુખ્ય સમાચાર
News of Tuesday, 10th December 2019

દેશની પહેલી જીન બેંક

જન્મ પહેલા જ બિમારી અંગેની જાણ કરશે

ભારતીયોના જીનનું થઇ રહ્યું છે મેપીંગ, પ્રોજેકટનું નામ છે Indi Gen

નવી દિલ્હી, તા. ૧૦ : કેટલાક વર્ષ પહેલા, ત્રણ મહિનાનો ગર્ભ ધરાવતી એક મહિલા કેરળની એક મેડીકલ કોલેજમાં પહોંચી. તેની છ વર્ષની પુત્રીને એક દુર્લભ બિમારી હતી. મહિલાને જાણવું હતું કે તેના આવનાર બાળકને તો આ બિમારી નહીં હોયને. મહિલા ઇન્સ્ટીટયુટ ઓફ જીનેમિકસ એન્ડ ઇન્ટીગ્રેટીવ બાયોલોજીમાં ડો. ગીતા ગોવિંદ રાજાને મળી. તેના કેટલાક સેમ્પલો હૈદ્રાબાદની સંસ્થામાં મોકલવામાં આવ્યા. ટેસ્ટ પછી ખબર પડી કે આવનાર બાળકોને આવી કોઇ બિમારી નથી. ડો. ગીતાએ જણાવ્યું, 'મહિલાએ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો, આપણે લોકોની જીંદગીમાં બદલાવ લાવી શકીએ છીએ. આના પાછળનું કારણ છે આપણા જીન્સેમ.'

કાઉન્સીલ ઓફ સાયન્ટીફીક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ (સીએસઆઇઆર)ના ડાયરેકટર જનરલ શેખર કહે છે કે લગભગ સાત કરોડ ભારતવાસી દુર્લભ જેનેટીક બિમારીઓ સામે લડી રહ્યા છે. આમાં ઘણાને તો ખબર પણ નથી કે તેમને કોઇ બિમારી છે. તેના કારણે તેઓ ઇલાજ પણ નથી કરાવી શકતા. આ ઉપરાંત એક મુશ્કેલી એ પણ છે કે ભારતમાં જેનેટીક ડેટાની કમી છે તે કહે છે, 'ભારતીયોના જીનની કોઇ વિશ્વસનિય માહિતી રિસર્ચ માટે અમારી પાસે નથી.'

જોકે હવે દેશની ઘણી સંસ્થાઓ આ દિશામાં કામ કરી રહી છે. ભવિષ્યમાં જીનની માહિતીથી દર્લભ જીનેટીક બિમારીઓના ઇલાજમાં મદદ મળશે.

જીન રિસર્ચમાં આવતી મુશ્કેલીઓને હવે દૂર કરાઇ રહી છે. ભારતે જીન મેપિંગ ઉપર છ મહિનાથી ચાલતા પ્રોજેકટને હમણા જ પૂરો કર્યો છે. આ પ્રોજેકટનું નામ છે Indi Gen આ પ્રોજેકટ હેઠળ લગભગ ૧૦૦૮ લોકોના જીનોમનું મેપિંગ કરાઇ રહ્યું છે. આનાથી મેડીકલ સાયન્સના નિષ્ણાતોને કેન્સર અને બીજી જીનેટીક બિમારીઓના ઇલાજમાં મદદ મળશે. ગર્ભમાં ઉછરી રહેલા બાળકને પણ કઇ બિમારી થઇ શકે છે તેની ઓળખ કરી શકાશે. આ પ્રોજેકટના ચીફ શ્રીધર શિવાસુબ્બુ કહે છે, 'આ મેપિંગથી પેરન્ટસને બાળકમાં થનારી દુલર્ભ બિમારીની જાણ થઇ શકશે. આપણને એ જાણવામાં પણ મદદ મળશે કે કેમ કેટલાક લોકોને કોઇ દવાની અસર નથી થતી. દરેક વ્યકિતને જરૂરત મુજબ ઇલાજ ઉપલબ્ધ કરાવી શકાશે.'

(11:48 am IST)