મુખ્ય સમાચાર
News of Tuesday, 10th December 2019

મહારાષ્ટ્રમાં નવી સરકાર બન્યાને ૧૩ દિવસ વિત્યા, પરંતુ ખાતાની ફાળવણી કરવામાં આવી નથી

ઠાકરે ગૃહ વિભાગ પાસે રાખવા ઇચ્છે છે પરંતુ એનસીપી અને કોંગ્રેસ રાજી નથી

મુંબઇ, તા.૧૦: મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપી-કોંગ્રેસની સરકાર બને ૧૩ દિવસ વિતી ગયા છે, પરંતુ હજુ સુધી ખાતાઓની ફાળવણી કરવામાં આવી નથી. ઉદ્ઘવ ઠાકરે એ ૨૮ નવેમ્બરે શિવાજી પાર્કમાં ધૂમધામથી મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા, તેમની સાથે અન્ય ૬ મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા હતાં. પરંતુ તેઓને ખાતાની ફાળવણી કરવામાં આવી નથી.

જો રાજકીય સૂત્રોનું માનીએ તો સરકારમાં ખાતાઓ પૈકી ગૃહ વિભાગની ફાળવણી મુદ્દે મતભેદો ચાલી રહ્યા છે. સૂત્રો મુજબ મહારાષ્ટ્રના નવી સીએમ પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસની જેમ ગૃહ વિભાગ પોતાની પાસે રાખવા માંગે છે પરંતુ એનસીપી અને કોંગ્રેસ આ મુદ્દે રાજી નથી.

ઉલ્લેખનીય છે નવી સરકારમાં ખાતાની ફાળવણીને લઇને શુક્રવાર સાંજે મુખ્યમંત્રી ઠાકરેએ એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે નેહરુ સેન્ટર ખાતે બેઠક કરી હતી. આ બેઠકમાં શિવસેના નેતા એકનાથ શિંદે, સંજય રાઉત અને સુભાષ દેસાઇ તથા એનસીપીમાંથી અજીત પવાર  અને જયંત પાટિલ સામેલ થયા હતા. આ બેઠકમાં શપથ ગ્રહણ કરી ચૂકેલા મંત્રીઓને ખાતાની ફાળવણી પર શરદ પવારે વધારે જોર આપ્યું હતું.

(10:33 am IST)