મુખ્ય સમાચાર
News of Monday, 10th December 2018

પેપર લીક કેસ : આંતરરાજય ગેંગની સંડોવણીનો પર્દાફાશ

દિલ્હીના વિનીત માથુરની ધરપકડ બાદ ખુલાસા : મધ્યપ્રદેશના રતલામથી અશોક સાહુની પણ અટકાયત, હરિયાણાના મનીષસિંહની પણ ધરપકડની પ્રબળ શકયતા

અમદાવાદ, તા.૧૦ : ગુજરાત સહિત દેશભરમાં ભારે ખળભળાટ મચાવનારા ગુજરાતના લોકરક્ષક દળ પેપર લીક કૌભાંડમાં આખરે આંતરરાજય ગેંગની સંડોવણીનો પોલીસે આજે પર્દાફાશ કર્યો હતો. ગુજરાત પોલીસે આ સમગ્ર કૌભાંડમાં દિલ્હી ગેંગના મુખ્ય આરોપી વિનીત માથુરની ધરપકડ કરી તેની પૂછપરછના આધારે આંતરરાજય ગેંગની સંડોવણીનો પર્દાફાશ કરી નાંખ્યો હતો. પોલીસે આ કૌભાંડમાં મધ્યપ્રદેશના રતલામથી અશોક સાહુની પણ અટકાયત કરી લીધી છે અને પોલીસ તેને અહીં લઇને આવી રહી છે. આ સિવાય હરિયાણાના જ્જરના મનીષસિંહ બળવંતસિહંની પણ ગમે તે ઘડીયે ધરપકડ કરાય તેવી શકયતા છે. આંતરરાજય ગેંગના સભ્યો ઉપરાંત આ કૌભાંડમાં ગુજરાતના નીલેશ નામનો જે માસ્ટમાઇન્ડ હતો, તેના પૂરા નામ અને વિગતોનો આજે પર્દાફાશ થયો હતો. તેનું આખુ નામ નીલેશ દિલીપભાઇ ચૌહાણ છે અને તે વડોદરાનો વતની છે, તેની સાથે દસ્ક્રોઇના વતની અશ્વિન રૂચિકર પરમાર અને સુરેશ ડાહ્યાભાઇ પંડયાના નામનો પણ પર્દાફાશ થયો છે. પોલીસ આ તમામ શખ્સોને ગમે તે ઘડીયે ધરપકડ કરે તેવી શકયતા છે. આમ, આજે ગુજરાત પોલીસને પેપર લીક કૌભાંડમાં દિલ્હીની તપાસમાં બહુ મોટી સફળતા હાથ લાગી છે.       પેપર લીક કૌભાંડમાં આજે ચોંકાવનારા ખુલાસા કરતાં ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાંથી પકડાયેલા આરોપીઓ પ્રીતેશ પટેલ સહિતના ચાર આરોપીઓને લઇ ગુજરાત પોલીસની ટીમ દિલ્હી તપાસાર્થે ગઇ હતી, તે તપાસ કરી અહીં પરત આવી ગઇ છે, જેમાં દિલ્હીમાં ગુજરાતના ઉમેદવારોને પેપર અને આન્સરશીટ બતાવવા કયાં કયાં લઇ જવાયા હતા, કઇ કઇ હોટલમાં અને સ્થળોએ રોકાયા હતા, તેમાંના કેટલાક સ્થળો અને જગ્યાઓ અમે આઇડેન્ટીફાય કરી લીધી છે. એટલું જ નહી, દિલ્હીના વતની અને આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા વિનીત માથુરની ધરપકડ કરી લીધી છે. તેની પૂછપરછ અને ઇનપુટ્સના આધારે ગુજરાત પોલીસની ટીમે આ કૌભાંડના ખૂબ જ મહત્વના આરોપી એવા અશોક સાહુની મધ્યપ્રદેશના રતલામથી અટકાયત કરી લીધી છે. અશોક સાહુને ગુજરાત પોલીસ અહીં લાવવા માટે નીકળી ગઇ છે, તેના અહીં આવ્યા બાદ વધુ ચોંકાવનારા ખુલાસા સામે આવશે. પેપર લીકમાં નવી નવી વિગતો ખુલી રહી છે.

(9:58 pm IST)