મુખ્ય સમાચાર
News of Wednesday, 10th November 2021

નેપાળની સેનાના ચીફને સેનાના જનરલનો માનદ હોદ્દો અપાયો

નેપાળના આર્મી ચીફની ૪ દિવસની ભારત યાત્રા : રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરાયા, શર્માએ મદ્રાસ યુનિવર્સિટીમાંથી એમફિલની ડિગ્રી પણ મેળવી છે

નવી દિલ્હી, તા.૧૦ : નેપાળની સેનાના ચીફ પ્રભુ રામ શર્માને ભારતીય સેનાના જનરલનો માનદ હોદ્દો આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. આજે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં નેપાળના આર્મી ચીફ પ્રભુ રામ શર્માને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારતીય સેનાના જનરલનો માનદ હોદ્દો આપ્યો હતો. નેપાળના આર્મી ચીફ ચાર દિવસ માટે ભારતની યાત્રાએ આવ્યા છે.પ્રભુ રામ શર્મા આ જ વર્ષે નેપાળની સેનાના ચીફ બન્યા છે.આ પહેલા મદ્રાસ યુનિવર્સિટીમાં તેઓ વોર અને સ્ટ્રેટેજી વિષયમાં એમફિલની ડિગ્રી મેળવી ચુકયા છે.આ સિવાય ભારતમાં તેમણે સેનામાં ટેકનિકલ અધિકારી તરીકે પણ ટ્રેનિંગ મેળવેલી છે. ૧૯૮૪માં તેઓ નેપાળ સેનામાં જોડાયા હતા અને આ વર્ષે તેઓ નેપાળની આર્મીના ચીફ બન્યા છે. આ પહેલા ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ભારતના આર્મી ચીફ એમ એમ નરવણે નેપાળના પ્રવાસે ગયા હતા ત્યારે તેમને પણ નેપાળની સેનાના જનરલનો માનદ હોદ્દો એનાયત કરાયો હતો. ભારત અને નેપાળ વચ્ચે દાયકાઓ જુની પરંપરા છે અને બંને દેશો એક બીજાની સેનાના ચીફને આ રીતે જનરલનો માનદ હોદ્દો આપે છે.આ પરંપરા ૧૯૫૦થી શરુ થયેલી છે.

(7:31 pm IST)