મુખ્ય સમાચાર
News of Wednesday, 10th November 2021

સિંગાપોરના પ્રાણી સંગ્રહાલયમાં ચાર એશિયાટિક સિંહ કોરોના સંક્રમિત

ચાર સિંહો ચેપગ્રસ્ત કર્મચારીઓના સંપર્કમાં આવ્યા હતા

નવી દિલ્હી,તા. ૧૦: સિંગાપોરના પ્રાણી સંગ્રહાલયમાં ચાર એશિયાટિક સિંહોમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ છે. આ ચાર સિંહો ચેપગ્રસ્ત કર્મચારીઓના સંપર્કમાં આવ્યા હતા. મંડાઈ વન્યજીવ જૂથના સંરક્ષણ અને સંશોધનના વાઇસ પ્રેસિડેન્ટ અને પશુચિકિત્સક ડો. સોન્જા લુઝે જણાવ્યું હતું કે શનિવારથી સિંહોમાં ઉધરસ અને છીંક જેવા હળવા લક્ષણો જોવા મળ્યા હતા. આ પછી સિંહોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે.

ડો. સોન્જા લુઝે જણાવ્યું કે મંડાઈ વાઈલ્ડલાઈફ ગ્રુપના નાઈટ સફારી કાર્નિવોર સેકશનના ત્રણ કર્મચારીઓને કોરોના થયો હતો. આ સંક્રમિત કામદારોના સંપર્કમાં આવ્યા બાદ નવ એશિયાટિક અને પાંચ આફ્રિકન સિંહોને અલગ રાખવામાં આવ્યા હતા. તમામનો પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં ચાર એશિયાટિક સિંહોમાં કોરોના સંક્રમણ જોવા મળ્યું છે. તેણે કહ્યું કે બધા સિંહો સારી રીતે ખાઈ રહ્યા છે

સિંગાપોરના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે દેશમાં ૩૩૯૭ નવા કોરોના કેસની પુષ્ટિ થઈ છે. આ પછી, સંક્રમિતોની કુલ સંખ્યા વધીને ૨,૨૪,૨૦૦ થઈ ગઈ છે. તે જ સમયે, ૧૨ લોકોના મૃત્યુ પછી, કોરોનાથી મૃત્યુઆંક વધીને ૫૨૩ થઈ ગયો છે.

(3:53 pm IST)