મુખ્ય સમાચાર
News of Wednesday, 10th November 2021

રાફેલ ડીલ : તપાસ એજન્સીઓની ભૂમિકા શંકાસ્પદ

સરકાર ભાજપની હોય કે કોંગ્રેસની એજન્સીઓએ આંખ આડા કાન કર્યા : લાંચ મામલે ફ્રેન્ચ કંપનીએ જાણ કરી છતાં પગલા લેવામાં ઢીલ

નવી દિલ્હી તા. ૧૦ : વર્ષો પહેલા સુપ્રીમ કોર્ટે સીબીઆઇને પીંજરાનો પોપટ કહ્યો હતો. જો કે ૨૦૧૪માં ભાજપાની સરકાર બન્યા પછી લાગતું હતું કે તપાસ એજન્સીઓ પહેલા કરતા સજ્જ બનશે. પણ રાફેલ ડીલમાં ચાલી રહેલી ગોલમાલ પર નજર નાખીએ તો એવું નથી લાગતું કે એજન્સીઓના વલણમાં કોઇ ફેર પડયો હોય.

શરમજનક સ્થિતી છે કે ફ્રેન્ચ કંપની દસાંએ રાફેલ ડીલમાં થઇ રહેલ ગોલમાલ બાબતે સીબીઆઇને એલર્ટ કરી હતી તેમ છતાં તપાસ એજન્સીઓ મૌન ધારણ કરીને બેસી રહી.

એનડીટીવીની ખબર અનુસાર, તપાસ એજન્સીઓએ આક્ષેપોને ધ્યાનમાં ના લીધા કે જેટ ફાઇટર રાફેલની નિર્માત ફ્રેન્ચ કંપની દસાંએ બીજેપીની એનડીએ સરકાર અને કોંગ્રેસની યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન વચેટીયાઓને કરોડો રૂપિયા ચુકવ્યા હતા. ફ્રેંચ પોર્ટલના રિપોર્ટમાં આક્ષેપ છે કે દસાંએ ભારત સાથે ૩૬ રાફેલ ફાઇટર જેટની ડીલ કરવા માટે વચેટીયા સુશેન ગુપ્તાને લગભગ ૧૧૦ કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. ભારતીય એજન્સીઓ માહિતી હોવા છતાં તેની તપાસ કરવામાં નિષ્ફળ રહી.

દસ્તાવેજ દર્શાવે છે કે, ૨૦૧૯માં રાફેલ ડીલ ફાઇનલ થયાના ૩ વર્ષ પછી દસાં લાંચ બાબતે એજન્સીઓને એલર્ટ કરી હતી. આ દસ્તાવેજ ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલીકોપ્ટરોના વેચાણ ગોલમાલ અંગેની સીબીઆઇની ચાર્જશીટનો ભાગ છે. તેમ છતાં સીબીઆઇ રાફેલ બાબતે મૌન રહી છે. આ તથ્ય આઇટી સર્વિસ કંપની આઇડીએસના તત્કાલિન મેનેજર ધીરજ અગ્રવાલના સ્ટેટમેન્ટથી બહાર આવ્યું છે. ધીરજ અનુસાર દસાંનું ૪૦ ટકા પેમેન્ટ આઇડીએસને ગુપ્તાની મોરેશ્યસવાળી કંપની ઇન્ટરસ્ટેલરને કમીશન રૂપે ચૂકવાયું હતું.

ભારતીય કાયદાઓ અનુસાર દલાલી ચૂકવનાર કંપનીને પ્રતિબંધિત કરી દેવાય છે તેમ છતાં પણ રાફેલ બાબતે ભારત સરકારે ડીલ કરી. આ કેસ વાજપેયીથી માંડીને યુપીએ સરકાર સુધી સંકળાયેલ છે. આ ગવાહીને પોતાની ચાર્જશીટમાં સામેલ કર્યા છતાં સીબીઆઇએ કોઇ કાર્યવાહી નથી કરી. સરકારનો ઇશારો હોય કે અન્ય કારણ પણ એજન્સીઓની નિષ્ક્રીયતાથી સ્પષ્ટ છે કે ગોલમાલને નરી આંખે જોયા પછી પણ નજર અંદાજ કરાઇ છે.

(11:15 am IST)