મુખ્ય સમાચાર
News of Wednesday, 10th November 2021

સામ્‍યવાદી ચીન સાથે તાઇવનની તંગદીલી વધતા વિશ્‍વનું ધ્‍યાન ફરી વખત ચીન ઉપર ગયું

પ્રોફેસર મિતરે રસપ્રદ તારણો આપ્‍યા

તાઇવાન : તાઈવાન સાથે વધી રહેલી તંગદીલીએ વિશ્વનું ધ્યાન ફરી એક વખત સામ્યવાદી ચીન ઉપર કેન્દ્રિત કરી દીધું છે. વિશ્વ-ફલક ઉપર પ્રમુખ શી જિનપિંગ તેઓનાં દેશને કયા સ્તરે લઈ જવા માગે છે, ચીનની હવે વૈશ્વિક ભૂમિકા શી હશે, તે વિશે ઓક્સફર્ડ યુનિવર્સિટીના ઇતિહાસના અધ્યાપક રાણા મિત્રે કેટલાંક રસપ્રદ તારણો આપ્યાં છે.


પ્રોફેસર મિત્તર જણાવે છે કે, ભૂતકાળે જ શીની વિચારધારા ઘડી છે. તેઓ ચીનના મહાન તત્વજ્ઞા કોન્ફૂશિયસ (ઈ.સ.પૂર્વે ૫૪૧ થી ૪૭૯)ની વિચારધારાને અનુસરી રહ્યા છે. તે તત્વજ્ઞાએ નીતિ સત્તાની પરંપરા દર્શાવી છે. જેમાં સબળે સમાજ પ્રત્યે કલ્યાણકારી બની રહેવું જોઈએ તેમ કહ્યું છે, સાથે તેમ પણ કહ્યું છે કે, પ્રબળ વરીષ્ટે, નિર્બળોનું ધ્યાન રાખવું જોઈએ.


તે સત્ય છે કે, ચીનમાં માઓનું શાસન આવ્યું તે દરમિયાન (૧૯૪૯-૭૬) ભૂતકાળની ઉપેક્ષા કરાઈ હતી પરંતુ ૧૯૮૦ના દાયકાથી ફરી ચીને તેના ભૂતકાળને ઉખેળ્યો, અને ફરી વિશ્વ સમસ્ત સમક્ષ પોતાની 'કલ્યાણકારી સત્તા' પ્રસારિત કરવા આતુર બન્યું. સાથે ૧૮૩૯/૪૦થી શરૂ થયેલાં અફીણ યુદ્ધો અને તેમાં ચીનની થયેલી નાલેશીનો કાંટો તેને ખૂંચી રહ્યો. ચીન ત્યારથી નિર્બળ ગણાવા લાગ્યું જે સ્થિતિ છેક ૧૯૪૯/૫૦ સુધી રહી. પરંતુ અત્યારે તો ચીન વૈશ્વિક સત્તા બની ગયું છે. આમ છતાં તે તૈવાનનો પ્રશ્ન ઉકેલી શક્યું નથી. શી જિનપિંગ ૧૮૯૫થી અલગ પડી ગયેલાં તૈવાન દ્વિપને પણ જો વર્તમાન સરકાર તેની સાથે જોડી દે તો 'શી' પોતાની પ્રતિભા માઓ કરતાં પણ ઉંચી પહોંચી જશે તેમ માને છે. તેઓ પોતાને માઓ કરતાં પણ વધુ 'આરાધ્ય' બનાવવા માગે છે.


સિંધુઆ યુનિવર્સીટીના પ્રો. યાન ઝૂએટોંગે ચીન કઈ રીતે કોન્ફુશિયન સિદ્ધાંતો અને 'સોશ્યાલિસ્ટ વેલ્યુઝ' (સાચા અર્થમાં સામ્યવાદ)ને ગૂંથીને વિશ્વ સમક્ષ 'કલ્યાણકારી સત્તા' તરીકે ઉભું રહી શકે તે વિશે પણ સવિસ્તર નિયમો આપ્યા છે.

'શી'એ કોન્ફુશિયન સિદ્ધાંતો અને યાન ઝૂએટોંગના સિદ્ધાંતો બરોબર ઘૂંટી રાખ્યા છે. તેઓને ખરી ભીતિ તો તે છે કે, ૧૮૯૫માં જાપાને તે સમયે ફોર્મોસા તરીકે પણ ઓળખાતા આ તૈવાન દ્વિપ ઉપર કબજો જમાવ્યો. ત્યારથી આ દ્વિપ તળભૂમિથી છૂટો પડી ગયો છે. જાપાનની શરણાતી (દ્વિપ વિશ્વ યુદ્ધમાં) પછી તે અમેરિકામાં શાસન નીચે હતો. ૧૯૪૯માં માઓએ ચીનમાં 'સામ્યવાદી ક્રાંતિ' કરી બૈજિંગ ઉપર કબજો જમાવ્યો. પછી અમેરિકાના પ્રમુખ ટ્રુમેન એક તબક્કે તો તૈવાન માઓને સોંપી દેવાનો વિચાર કરતા હતા. ત્યાં ૧૯૫૦થી કોરિયન યુદ્ધ ફાટી નીકળ્યું. ૧૯૫૦માં માઓ તિબેટમાં સત્તા સ્થાપવા આતુર બન્યા. બીજી તરફ કોરિયન યુદ્ધે ટ્રુમેનનું મન ફેરવી નાખ્યું. આમ માઓ, તૈવાન પ્રાપ્ત કરવાની તક ગુમાવી બેઠા. પછી છેક ૧૯૫૮માં માઓએ તૈવાન લેવા આક્રમણ કર્યું. પરંતુ અમેરિકાની સહાયથી તે સ્વતંત્ર જ રહ્યું. (તૈવાન, મોંગોલ શાસન દરમિયાન અને મંજુશાસન દરમિયાન પણ સ્વંતંત્ર જ હતું.)

આ પછી રહી રહીને શી-જિનપિંગને તૈવાનને પણ સામ્યવાદી ચીન સાથે જોડી પોતાને માઓ-ત્સે-તુંગ કરતા પણ મહાન દેખાડવાના ઓરતા જાગ્યા છે. પરંતુ હવે ઘણું મોડું થઈ ગયું છે. અફઘાનિસ્તાનમાંથી પીછેહઠ કરી નાલેશી મેળવ્યા પછી અમેરિકા વધુ નાલેશીભરી સ્થિતિમાં મુકાવા માગતું નથી. બીજી વધુ મહત્ત્વની વાત તો તે છે કે ૧૮૯૫થી ચીનની તળભૂમિથી છૂટાં પડી ગયેલાં તૈવાનમાં અત્યારે તો, ત્યાં પાંચમી પેઢી ચાલે છે. સામાન્યતઃ કોઈ પણ પ્રજાને માટે તેની ત્રણ પેઢી પછી તો, તે જ્યાં સ્થિર થઈ હોય તે જ ભૂમિ પોતાની માતૃભૂમિ બની જાય છે. જેમ કે ૧૯મી સદીના મધ્ય ભાગથી દ.આફ્રિકામાં જઈ વસેલા ભારતીય વંશના જ ઉપમંત્રી પદે પહોંચેલા એક મહિલાને પૂછવામાં આવ્યું કે, 'માની લો કે ભારત અને દ.આફ્રિકા વચ્ચે યુદ્ધ થાય તો તમો કોની તરફે રહો? ત્યારે તે મહિલાએ જવાબમાં કહ્યું કે, તે સંભાવના જ નથી છતાં જો યુદ્ધ થાય તો અમે દ.આફ્રિકા તરફથી જ લડીએ તે નિઃશંક છે.'


આ તરફ શીને ભીતિ છે કે તૈવાનની ઉદારમતવાદી લોકશાહીના તણખા હોંગકોંગની પણ ઉદારમતવાદી લોકશાહીને પ્રબળ કરી રહ્યાં છે. તેથી જો ભડકો વધુ ફાટી નીકળે તો તળભૂમિ પરની શીની સામ્યવાદી સરકાર માટે ભયાવહ બની રહે તેથી શી જીનપિંગ તૈવાન વહેલામાં વહેલી તકે ઝડપવા આતુર છે. બીજી તરફ અમેરિકા તૈવાનને રક્ષવા તેટલું જ મક્કમ છે. પરિસ્થિતિ ધાર્યા કરતાં ઘણી વધુ ઝડપથી પલટાઈ રહી છે તે નિશ્ચિત છે.

(12:00 am IST)