મુખ્ય સમાચાર
News of Thursday, 10th October 2019

ફોર્ટિસના ભૂતપૂર્વ પ્રમોટર સિવિન્દરમોહનસિંહની ધરપકડ કરાઈ

મોટા ભાઈ માલવિન્દરની ઉંડી શોધખોળ જારી : છેતરપિંડીના આક્ષેપમાં ધરપકડ થતાં કોર્પોરેટમાં ચકચાર

નવીદિલ્હી,તા.૧૦ : ફોર્ટિસ ગ્રુપના પૂર્વ પ્રમોટર સિવિન્દર મોહનસિંહની આજે ધરપકડ કરી લેવામાં આવી હતી. રેલીગર ફિનવેસ્ટની ફરિયાદ બાદ આ ધરપકડ કરવામાં આવી છે. કંપનીએ તેમના પર છેતરપિંડીનો આક્ષેપ કર્યો છે. આજ મામલામાં પોલીસે તેમના ભાઈ માલવિન્દર મોહનસિંહની પણ ઉંડી તપાસ જારી રાખી છે. દિલ્હી પોલીસે રેલીગર એન્ટરપ્રાઇઝ લિમિટેડના પ્રમોટર રહી ચુકેલા માલવિન્દર મોહનસિંહ અને સિવિન્દર મોહનસિંહ પર છેતરપિંડી, અપરાધિક કાવતરા અને વિશ્વાસઘાત કરવાનો આક્ષેપ મુક્યો છે. તેમના ઉપર હવે સકંજો મજબૂત કરવામાં આવી રહ્યો છે. મોટાભાઈ માલવિન્દરની શોધખોળ ચાલી રહી છે. રેલીગરના એક વરિષ્ઠ મેનેજરની ફરિયાદ બાદ દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ એફઆઈઆર દાખલ કરી હતી જેમાં સિંહ બ્રધર્સ ઉપરાંત આરઈએલના ફોરમર સીએમડી સુનિલ ગોધવાની અને સ્ટોક બ્રોકર ઘોસાલની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. રેલીગરના વરિષ્ઠ મેનેજરની ફરિયાદ હતી કે, કંપની અને તેમની સિબસિડીયરી ફિનવેસ્ટ લિમિટેડ સાથે છેતરપિંડી કરવામાં આવી હતી અને સેંકડો કરોડ રૂપિયાની હેરાફેરી અનેક ફાઈનાન્સિયલ ટ્રાન્ઝિક્શન મારફતે કરવામાં આવી હતી.

          આ ફરિયાદમાં આક્ષેપ મુકવામાં આવ્યો હતો કે, સિંહ બ્રધર્સે આરોપી સાથે સાંઠગાંઠ કરીને ૨૦૧૬માં નાણાંકીય કૌભાંડ આચર્યું હતું. આમા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, બંને ભાઈઓએ વિચારીને અપરાધિક કાવતરા રચ્યા હતા જેના મારફતે મોટા નાણાંકીય કૌભાંડ આચરવામાં આવ્યા હતા. ફરિયાદ કરનારે આ પ્રોપર્ટી અંગે માહિતી મેળવીને પરત આપવાની માંગ કરી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, સિંહ બ્રધર્સ ફેબ્રુઆરી ૨૦૧૮ સુધી આરઇએલના પ્રમોટર તરીકે હતા અને પ્રમોટર આરએફએલના મેનેજમેન્ટ પર તેમનું પ્રભુત્વ હતું. કારણ કે, આ ગૌણ કંપની હતી. ફરિયાદ એફઆઈઆરમાં સામેલ કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે, આરઇએલનું માનવું છે કે, સિંહ બ્રધર્સ અને સુનિલ ગોધવાનીએ સાંઠગાંઠ કરીને આરઈએલ અને આરએફએલ સહિત અનેક ગૌણ કંપનીથી પૈસાની હેરાફેરી કરી હતી અને કોર્પોરેટ ફ્રોડને અંજામ આપવામાં સફળતા મેળવી હતી. આરઈએલ અને આરએફએલ દ્વારા આ પ્રકરણમાં કોર્પોેરેટ બાબતોના મંત્રાલયની પાસે એક ફરિયાદ દાખલ કરી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે, સિંહ બ્રધર્સે જુદી જુદી બેંકોની પાસે જે શેર ગિરવે મુક્યા હતા તે આ વર્ષે ફેબ્રુઆરીમાં એવી બેંકોએ જપ્ત કર્યા હતા.

(8:58 pm IST)