મુખ્ય સમાચાર
News of Thursday, 10th October 2019

ડુંગળી બાદ ટામેટાની કિંમતો હવે આસમાને : લોકો ચિંતિત

કર્ણાટક સહિતના રાજયોમાં ભારે વરસાદથી અસર : ભારે વરસાદના પરિણામે ટામેટાના પાકને નુકશાન થતા સપ્લાયમાં ઘટાડો : સપ્લાય ઘટતા કિંમતોમાં વધારો થયો

નવી દિલ્હી,તા. ૧૦: ડુંગળી બાદ હવે ટામેટાની કિંમતો આસમાને પહોંચી જતા શાકભાજીના સ્વાદ પર તેની માઠી અસર જોવા મળી રહી છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હી સહિત દેશના જુદા જુદા ભાગોમાં સ્થાનિક બજારોમાં ટામેટાની કિંમતો ૮૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઇ છે. દિલ્હીના આઝાદપુર મંડીના શાકભાજીના કારોબારી કહે છે કે કર્ણાટક ઉપરાંત દેશના કેટલાક રાજ્યોમાં હાલમાં ભારે વરસાદના કારણે ટામેટાના પાકને પ્રતિકુળ અસર થઇ રહી છે. જેથી પુરવઠો ઓછો થઇ રહ્યો છે. આ જ કારણસર ટામેટાની કિંમતોમાં સતત વધારો થઇ રહ્યોછે. બીજી બાજુ ડુંગળીની કિંમતમાં આંશિક રીતે નરમી આવી છે. છેલ્લા સપ્તાહની તુલનામાં ડુંગળીની કિંમત આંશિક ઘટાડો થઇ ચુક્યો છે. ડુંગળીની કિંમત હવે ૬૦ રૂપિયા પ્રતિ કિલોની આસપાસ પહોંચી ગઇ છે. બીજી બાજુ મધર ડેરીના સપળ આઉટલેટ્સ પર ટામેટાની કિંમત ૫૮ રૂપિયા પ્રતિ કિલો રહી છે. આઝાદપુર મંડીના ટામેટા હોલસેલ કારોબારી લોકોનુ કહેવુ છે કે કેટલાક રાજ્યોમાં સતત ભારે વરસાદ થઇ રહ્યો છે. જેના કારણે ટામેટાના પુરવઠોને માઠી અસર થઇ રહી છે. માંગ વધારે રહેવા અને આવક ઓછી રહેવાના કારણે ટામેટાના રેટ આસમાને પહોંચી ગયા છે. કર્ણાટક અને તેલંગણા ઉપરાંત કેટલાક પહાડી વિસ્તારોમાં હજુ વરસાદ થઇ રહ્યો છે. જેના કારણે ટામેટાના પાકને નુકસાન થયુ છે. જેના કારણે પુરવઠા પર સીધી અસર થઇ રહી છે. ટામેટાની કિમત વધવાની સાથે જ સફળ આઉટલેટ્સ પર લોકોની ભારે ભીડ જામી રહી છે. અહીં લોકો લાઇનમાં ઉભા રહીને ટામેટાની ખરીદી કરી રહ્યા છે. દિલ્હીમાં કેટલાક વિસ્તારોમાં સરકાર તરફથી ડુંગળીનુ વેચાણ કરવામાં આવી રહ્યુ છે. લોકોનુ કહેવુ છે કે ડુંગળી અને ટામેટાની વધતી કિંમતોના કારણે શાકભાજીના સ્વાદ પર તેની અસર થઇ રહી છે.

ટામેટા અને ડુંગળીના કારણે લોકોના બજેટ બગડી ગયા છે. જો કે કિંમતો ટુંકમાં સ્થિર બની શકે છે.

(3:33 pm IST)