મુખ્ય સમાચાર
News of Thursday, 10th October 2019

હવે મુડીઝે ગ્રોથ રેટનું અનુમાન ઘટાડી ૫.૮ ટકા કર્યુ

રીઝર્વ બેન્ક બાદ હવે રેટીંગ એજન્સી મુડીઝે સરકારને આપ્યો આંચકોઃ અગાઉ અનુમાન ૬.૨ ટકાનુ હતુઃ ભારતીય રીઝર્વ બેન્કના અનુમાનથી પણ મુડીઝે ઓછુ અનુમાન જાહેર કરતા ખળભળાટ : મુડીઝનું અનુમાન અત્યંત ચોંકાવનારૂ- નિરાશાજનકઃ માંગમાં ઘટાડો, ગ્રામીણ પરિવારો ઉપર આર્થિક પ્રેશર, ઉચ્ચ બેરોજગારીનો દર અને બીનબેન્કીંગ નાણાકીય સંસ્થાઓ પાસે રોકડની અછત જેવી સમસ્યાઓથી આર્થિક સુસ્તીની સમસ્યા વધી

નવી દિલ્હી, તા. ૧૦ :. આંતરરાષ્ટ્રીય ક્રેડીટ રેટીંગ એજન્સી મુડીઝે આજે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે ભારતના જીડીપીનું અનુમાન ઘટાડી દીધુ છે. એજન્સી અનુસાર જીડીપી ૫.૮ ટકા રહેશે. જે ભારતીય રીઝર્વ બેન્કના અનુમાનથી પણ ઓછુ છે. પહેલા એજન્સીએ ૬.૮ ટકાનું અનુમાન બતાવ્યુ હતુ.

આ સંદર્ભમાં મુડીઝે જણાવ્યુ છે કે માર્ચ ૨૦૨૦માં સમાપ્ત થનાર નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી ૫.૮ ટકા પણ આવી શકે છે. મુડીઝના છેલ્લામાં છેલ્લા રીપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં નાણાકીય ગ્રોથ વધીને ૬.૬ ટકા રહી શકે છે જે તે પછીના વર્ષમાં વધી ૭ ટકા સુધી પહોંચી શકે છે. એજન્સીએ કહ્યુ છે કે ગત વર્ષોના મુકાબલે ભારતનો વિકાસ દર ઓછો રહેશે. મુડીઝનું આ અનુમાન અત્યંત નિરાશાવાદી છે. આવતા સપ્તાહે આઈએમએફ પણ વિકાસના અનુમાનના આંકડા જારી કરવાનુ છે.

૮ ટકા સુધી જીડીપી ગ્રોથ રેટની જે સંભાવના હતી તેને નિવેશ આધારીત સુસ્તીએ નબળી પાડેલ છે. આ સિવાય માંગમા અછત, ગ્રામીણ ઘરો પર આર્થિક દબાણ, ઉચ્ચ બેરોજગારી દર અને બીનબેન્કીંગ નાણાકીય સંસ્થાઓ પાસે રોકડની અછત જેવી સમસ્યાઓથી પણ આર્થિક સુસ્તીની સમસ્યા વધી છે.

૪ ઓકટોબરે રીઝર્વ બેન્કે ૨૦૧૯-૨૦ માટે જીડીપીનું અનુમાન ૬.૯ ટકાથી ઘટાડી ૬.૧ ટકા કર્યુ હતુ. તો ૨૦૨૦-૨૧ માટે અનુમાન ૭.૨ ટકા કર્યુ હતું.

વિકાસ દરને ઘટાડવાના અનુમાનથી કેન્દ્ર સરકારની દેશને ૫ ટ્રીલીયન ઈકોનોમી બનાવવાની કવાયતને આંચકો લાગી શકે છે.

મંદી ચાલુ રહી તો તેની અસર ભવિષ્યમાં જોવા મળશે. હાલ દેશમા અનેક સેકટરમાં ઉત્પાદન ઠપ્પ થઈ ગયુ છે. આવુ એટલા માટે લોકો જૂનો સ્ટોક પણ ખરીદતા નથી.

મુડીઝે પોતાના રીપોર્ટમાં કહ્યુ છે કે જો સુસ્તી ચાલુ રહેશે તો તેના ગંભીર પરિણામ આવશે. આના કારણે રાજકોષીય ખાધ ઘટાડવાના પ્રયાસોને આંચકો લાગશે. સાથોસાથ દેવાનો બોજો પણ વધતો જશે.

(3:20 pm IST)