મુખ્ય સમાચાર
News of Thursday, 10th October 2019

ડુંગળી-ટમેટા પછી હવે બટેટા મોંઘા થશે

સતત વરસાદને કારણે વાવણી મોડી : નવો પાક આવતા વાર લાગશે

નવી દિલ્હી તા ૧૦  :  સરેરાશથી વધારે વરસાદ અને સતત વરસાદના કારણે બટેટાના ખેડુતો અને ગ્રાહકોની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. ડુંગળી અને ટમેટાના ભાવ વધારાથી ત્રસ્ત ગ્રાહકો સામે હવે બટેટામાં ભાવ વધવાનો ખતરો ઉભો થયો છે. વરસાદના કારણે બટેટાની વાવણીમાં લગભગ એક મહીનો મોડુ થઇ ચુકયું છે, તેના કારણે બજારમાં નવા બટેટા આવવામાં મોડુ થશે એ નક્કી છે, તેના લીધે બજારોમાં જુના બટેટામાં મોંઘવારીનું વલણ બની રહયું છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ બટેટાના મોટા ઉતપાદકોમાં સામેલ છે, પણ આ વખતે દેશના બધા રાજયોમાં બટેટાની વાવણી ઓકટોબરના છેલ્લા સપ્તાહથી નવેમ્બરના પહેલા સપ્તાહમાં થવાનું અનુમાન છે.

ઉત્તર પ્રદેશના ફરૂખાબાદ અને તેની આસપાસનો વિસ્તાર બટેટાની ખેતી કરતો સોૈથી મોટો વિસ્તાર છે. અહીંના બટેટાના મોટા ખેડુત અને વેપારી કોૈશલકુમાર કટિયારનું  કહેવું  છે  કે, આ વરસે વરસાદના કારણે હજુ વાવણી નથી થઇ, એટલે બટેટા બજારના ખેલાડીઓ સક્રિય થઇ ગયા છે. ઉત્પાદક  મંડીઓમાં બટેટાના ૫૦ કિલોના ક્રેટ ૩૦૦ થી ૪૫૦ માં વેચાય છે. જે દિલ્હીમાં ગ્રાહકોને ૨૫ રૂપિયે કિલો મળે છે.

બટેટાના નિષ્ણાંત અને ધંધા પર નજર રાખનાર સુશીલ કટિયારનું કહેવું છે  કે, આ વખતે નવા બટેટા ૧૫ ડિસેમ્બર પહેલાં નહીં આવી શકે. પંજાબના થોડા ઘણા બટેટા ૧૫ નવેમ્બર સુધીમાં બજારમાં આવી શકે પણ વાવણી ઓછી જ થઇ  છે.  તેમનું કહેવું છે કે, કોલ્ડ સ્ટોરેજમાં ગયા વર્ષના કુલ ઉત્પાદનના ૩૫ ટકા બટેટા છે. તેમાંથી ૨૦ ટકાથી વધારે બટેટા તો વાવણીમાં બીયારણ તરીકે વપરાશે. આમ આગામી ૬૦ થી ૭૦ દિવસ બટેટાની જરૂરિયાત પુરી કરવામાં મુશ્કેલીઓ આવી શકે છે.

કૃષિ મંત્રાલયના હોર્ટીકલ્ચર પાકના અનુમાન પ્રમાણે વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન બટેટાનું કુલ ઉત્પાદન ૫.૩૦ કરોડ ટનઙ્ગહતું. કોલ્ડ સ્ટોરેજના નિકાસ આંકડાઓ મુજબ મે માં સાડા છ, જુનમાં સાડા નવ, જુલાઇ માં સાડાતેર અને ઓગસ્ટમાં ૧૬ ટકા બટેટા કોલ્ડ સ્ટોરેજમાંથી નિકળ્યા છે. ઓકટોબરમાં અત્યાર સુધીમાં ૧૫ ટકા બટેટા કોલ્ડ સ્ટોરેજમાંથી  કાઢી લેવાયા છે.  હવે બચેલા બટેટામાંથી મોટો ભાગ વાવણી માટે વપરાશે.

(11:41 am IST)