મુખ્ય સમાચાર
News of Thursday, 10th October 2019

MSME ની સીમા ૧૦ કરોડ થી વધારી ૨૫૦ કરોડ થશે

અર્થતંત્રની ગાડી પાટે ચડાવવા સીમા વધારાશે : પ કરોડનું ટર્નઓવર કરનારને સક્ષમ ઉદ્યોગનો દરજ્જો

નવી દિલ્હી તા ૧૦  : મંદીનો સામનો કરી રહેલી અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે સુક્ષમ, લઘુ ઉદ્યોગ અને મધ્યમ ઉદ્યોગો (એમ.એસ.એમ.ઇ) ની લીસ્ટ ૨૫ ગણી વધશે.  સુત્રોએ ગઇકાલે જણાવ્યું હતું કે નવી વ્યવસ્થામાં એમ.એસ.એમ.ઇ. ની લીમીટ ૧૦ કરોડથી વધીને ૨૫૦ કરોડ થઇ શકે છે. આ વ્યવસ્થા માટે સરકાર અધ્યાદેશની મદદ લઇ શકે છે.

સુત્રોએ જણાવ્યું કે સરકાર વાર્ષિક ૫ કરોડ સુધીનો ધંધો કરનારને સક્ષમ ઉદ્યોગનો દરજજો આપશે. પાંચ કરોડથી ૭૫ કરોડ સુધીનો ધંધો કરનાર ધંધાર્થીઓને લઘુ ઉદ્યોગમાં અને ૭૫ કરોડથી ૨૫૦ કરોડ રૂપિયા સુધીના ધંધાર્થીને મધ્યમ ઉદ્યોગની શ્રેણીમાં મુકાશે. વાર્ષિક ધંધાના આધારે સરકાર ધંધાઓની અલગ શ્રેણીઓ પણ બનાવવા માટે કામ કરી રહી છે. ખાલી મેન્યુફેકચરીંગ સેકટર માટે ત્રણથી વધારે શ્રેણીઓ બનાવવા અંગે વિચારાઇ રહયું છે. તેમાં જેમ્સ એન્ડ જવેલરી, ઓટો કોમ્પોનન્ટ અને વસ્ત્ર ઉદ્યોગ માટે અલગ અલગ વ્યાખ્યા હશે.

નવા કાયદામાં સરકાર આ ઉદ્યોગો સાથે સંકળાયેલ પેમેન્ટમાં મોડુ થવા અંગેની મુશ્કેલીઓ દુર કરવાનો અને જીએસટી રીફંડ સમયસર આપવાની વ્યવસ્થા પણ આપશે. હાલમાં દેશના જીડીપીમાં એમ.એસ.એમ.ઇ. ધંધાર્થીઓનું યોગદાન ફકત ૨૯ ટકા છે. સરકાર આગામી પાંચ વર્ષોમાં તેનેુ વધારીને પ૦ ટકા સુધી પહોંચાડવા માગે છે.

હાલની વ્યવસ્થામાં એમ.એસ. એમ.ઇ. ધંધાર્થીઓને ધંધાના આધારે ફકત બે શ્રેણીઓમાં મુકવામાં આવ્યા છે, મેન્યુફેકચરીંગ અને સર્વીસ, મેન્યુફેકચરીંગ ક્ષેત્રમાં ૨૫ લાખ સુધીના ધંધાર્થીઓને સુક્ષમ ઉદ્યોગ, ૨૫ લાખથી ૫ કરોડ સુધીનાને લઘુ અને પ કરોડથી સુધીનાને મધ્યમ ઉદ્યોગમાં રાખવામાં આવ્યા છે.

એમ.એસ.એમ.ઇ. ની લીમીટ વધારવાથી દેશની અર્થવ્યવસ્થાને ફાયદો થશે એટલું જ નહીં વૈશ્વિક બજારમાં ભારતની ધાક પણ વધશે. ધંધાર્થીઓને મળનાર સગવડોના કારણે તેમનું ઉત્પાદન વધશે અને વધેલ ઉત્પાદનની  નિકાસ પણ દુનિયાભરમાં શકય બનશે. આ ઉપરાંત રોજગારના મોરચે પણ સારા સમાચારો આવી શકે છે. સગવડો વધવાથી ધંધાર્થીઓ પોતાના યુનિટો વધારશે એટલે નવા લોકોને રોજગારીની તક મળશે.

(11:38 am IST)