મુખ્ય સમાચાર
News of Thursday, 10th October 2019

પતિ-પત્ની વચ્ચે અંતર એટલુ વધી જાય કે પાસે આવવાનું શકય ન હોય તો છૂટાછેડા થઈ શકે

સુપ્રિમ કોર્ટે ૨૨ વર્ષથી અલગ રહેતા દંપતિના વિવાહને સમાપ્ત કરવાનો આદેશ આપ્યોઃ વિવાહ સંપૂર્ણ રીતે અસાધ્ય, ભાવનાત્મક રીતે મૃત તથા બચાવથી પર હોય તો છૂટાછેડા આપી શકાય

નવી દિલ્હી તા. ૧૦ :.. વૈવાહિક સંબંધો જો એટલા બગડી જાય કે તેને ફરીથી સરખા ન કરી શકાય ત્યારે પણ તે હિંદુ મેરેજ એકટ અને સ્પેશ્યલ મેરેજ એકટ હેઠળ છૂટાછેડાનો આધાર ન બની શકે. જો કે, સુપ્રિમ કોર્ટે આવી સ્થિતિમાં લગ્નને સમાપ્ત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે પોતાના એક આદેશમાં કહયું કે જો લગ્ન જીવન સંપૂર્ણ પણે અસાધ્ય, ભાવનાત્મક રીતે મૃત અને બચાવી શકાય તેમ ન હોય તો છૂટાછેડા આપી શકાય છે.

છેલ્લા બે દાયકાથી છૂટાછેડા માટે કાયદાકીય લડાઇ લડી રહેલા એક શખ્સને 'સંપૂર્ણ ન્યાય' આપતા સુપ્રિમ કોર્ટે આર્ટીકલ ૧૪ર હેઠળ મળેલ ખાસ અધિકારોનો ઉપયોગ કરીને લગ્ન જીવન સમાપ્ત કરવાનો આદેશ  આપ્યો હતો. આ શખ્સની છૂટાછેડાની અરજીને નીચલી કોર્ટ તથા આંધ્ર પ્રદેશ હાઇકોર્ટે ફગાવી દીધી હતી કેમ કે તેની પત્નીએ અલગ થવા માટે પોતાની સંમતિ આપવાની ના પાડી હતી. આ દંપતિ છેલ્લા રર વર્ષથી અલગ રહેતુ હતું અને ૧૯૯૩ માં થયેલા તેમના લગ્નના થોડા વર્ષો પછી તેમના સંબંધોમાં ખટાશ આવી ગઇ હતી.સુપ્રિમ કોર્ટ ઘણા ચુકાદાઓમાં કેન્દ્ર સરકારને કહી ચૂકી છે તે છૂટાછેડાના કાયદામાં ફેરફાર કરે જેથી જો સંબંધોમાં ખટાશ આવે અથવા ફરીથી સાથે રહેવાની કોઈ ગુંજાઈશ ન હોય તો તે પણ છુટાછેડાનો આધાર બની શકે. જો કે કાયદામાં હજી સુધી કોઈ ફેરફાર નથી થયો એટલે જો કોઈ દંપતિ વર્ષોથી સાથે ન રહેતા હોય અને સંબંધોને પાટા પર લાવવાની દૂર દૂર સુધી પણ કોઈ આશા ન હોય તો પણ છૂટાછેડા ન મળી શકે. વિધિ આયોગે પણ ૧૯૭૮ અને ૨૦૦૯માં પોતાના રિપોર્ટમાં કેન્દ્ર સરકારને કાયદામાં ફેરફાર માટે તાત્કાલિક પગલા લેવાની ભલામણ કરી હતી.

જસ્ટિસ સંજયકિશન કૌલ અને જસ્ટિસ એમ.આર. શાહની બેંચે બંધારણની કલમ ૧૪૨ હેઠળ સુપ્રિમને મળેલા ખાસ અધિકારોનો ઉપયોગ કરીને કહ્યુ કે આ એવો કેસ છે જેમાં વૈવાહિક સંબંધો ફરીથી જોડાઈ શકે તેમ નથી. બેંચે પોતાના ચુકાદામાં કહ્યુ કે આ દંપતી વચ્ચે ફરીથી સંબંધો જોડાય તેવી કોઈ શકયતા નથી એટલે અમારૂ માનવુ છે કે પ્રતિવાદી પત્નિને એક નિશ્ચિત રકમ યુવા નેતા હિતોની રક્ષા કરીને આ લગ્નને ખતમ કરવા કલમ ૧૪૨ હેઠળ મળેલ અધિકારનો ઉપયોગ કરવો વાજબી છે.

કોર્ટે પોતાના ચુકાદામાં પત્ની એવી દલીલને ફગાવી દીધી હતી. જેમાં તેણે કહ્યું હતું કે જો બંન્ને પક્ષની સંમતિ ન હોય તો છુટાછેડા ન આપી શકાય કોર્ટે કહયું કે પત્નીએ બીજા પર નિર્ભર ન રહેવું પડે એટલે પતિએ તેના આર્થિક હિતોની રક્ષા કરવી પડશે કોર્ટે પતિને ૮ સપ્તાહમાં બેંક ડ્રાફટ દ્વારા પત્નીને ર૦ લાખ રૂપિયા ચુકવવા.

આ દંપતિના લગ્ન ૯ મે ૧૯૯૩ માં થયા હતા. અને ૧૯૯પમાં તેમને એક સંતાન થયું હતું.  જો કે પછીથી બન્ને વચ્ચે મતભેદ થવા લાગ્યા અને પતિના કહેવા મુજબ તેની સાથે ક્રુરતા થવા લાગી લગભગ બે વર્ષ પછી ૧૯૯૭માં પત્નીએ પતિનું ઘર છોડીને માતા-પિતાના ઘરે રહેવાનું શરૂ કર્યું ત્યાર પછી પતિએ ૧૯૯૯માં ફેમીલી કોર્ટમાં ક્રુરતાના આધાર પર છુટાછેડા માગ્યા જે અરજી ર૦૦૩માં રદ થઇ જેને હાઇકોર્ટમાં પતિએ પડકારી હતી હાઇકોર્ટે પણ ર૦૧રમાં તેની અરજી ફગાવી દીધી હતી.

(11:31 am IST)