મુખ્ય સમાચાર
News of Thursday, 10th October 2019

આજથી ટુરિસ્ટો કરી શકશે જન્નતના દીદાર

પર્યટકો આજથી જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જઇ શકશેઃ બે મહિનાથી લાગેલો પ્રતિબંધ હટાવાયોઃ ધરતી ઉપરના સ્વર્ગમાં સ્થિતિ સામાન્ય થતાં એડવાઇઝરી પરતઃ જો કે હજુ અનેક વિસ્તારમાં ટેલીફોન - ઇન્ટરનેટ સેવા શરૂ નથી થઇ

જમ્મુ તા. ૧૦ : કલમ ૩૭૦ હટયા પછી કાશ્મીરમાં પરિસ્થિતિમાં ઝડપભેર સુધરી રહેલ પરિસ્થ્િતિને જોતા રાજય સરકાર પ્રવાસીઓને કાશ્મીર ખીણ છોડવા માટે બહાર પાડેલા ૬૭ દિવસ જૂની એડવાઇઝરી પાછી ખેંચી લીધી છે. નવી વ્યવસ્થા આજથી લાગુ થશે એટલે કે આજથી પ્રવાસીઓ કાશ્મીરની વાદીઓમાં ફરવા જઇ શકશે.

રાજયપાલ સત્યપાલ મલિકે સોમવારે રાજયની હાલત અને સુરક્ષા પરિસ્સ્થિતિની સમીક્ષા દરમિયાન એડવાઇઝરી પાછી લેવાની સુચના આપી હતી. ર ઓગસ્ટે રાજયના ગૃહ વિભાગ તરફથી મોટા આતંકવાદી હુમલાની આશંકાના કારણે એડવાઇઝરી બહાર પાડીને પ્રવાસીઓ અને અમરનાથ યાત્રીઓને તાત્કાલીક કાશ્મીરમાં પાછા ફરવા કહયું હતું.

રાજભવનમાં થયેલ ઉચ્ચસ્તરીય બેઠકમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા દરમિયાન જણાવ્યું હતું કે છેલ્લા છ અઠવાડીયામાં ખીણના મોટાભાગના વિસ્તારોમાંથી પ્રતિબંધ ઉઠાવી લેવાયા છે. બેઠકમાં એ પણ જણાવાયું હતું કે હાયર સેકન્ડરી સ્કૂલ, કોલેજો અને યુનિવર્સિટી ચાલુ થઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે ખીણમાં સાર્વજનીક વાહનોની અવર જવર પણ શરૂ થઇ ગઇ છે. ટીઆરસીમાં રપ વધારાના કાઉન્ટરો ખોલવામાં આવ્યા છે. દરેક જીલ્લામાં લોકોની સુવિધા માટે રપ ઇન્ટરને કિઓસ્ક સ્થાપિત કરવામાં આવ્યા છે. સરકારી ઓફિસોમાં હાજરી પર નજર રખાઇ રહી છે.

બીડીસી ચુંટણીઓ બાબતે પણ લોકોમાં ઉત્સાહ દેખાઇ રહયો છે. બધા એ આરઓને મોબાઇલ ફોન ઉપલબ્ધ કરાવાયો છે જેથી ચુંટણી પ્રક્રિયામાં કોઇ પ્રકારની અડચણ ન  થાય. જેલમાં બંધ નેતાઓને મળવા માટે પક્ષોને છુટ અપાઇ છે. જણાવી દઇએ કે રાજયપાલ મલિક રોજ સાંજે ૬ થી ૮ વાગ્યા સુધી રાજયની હાલત અને સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરે છે.

રાજય સરકારના આ નિર્ણયથી ફરી એકવાર ધરતી પરના સ્વર્ગ એવા કાશ્મીરમાં સહેલાણીઓ આવી શકશે. તેનાથી પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. દેશી પ્રવાસીઓને સંખ્યા વધશે. ખીણની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ભારતીય પ્રવાસીઓએ કાશ્ીમર બાજુથી મોઢુ ફેરવી લીધુ હતુ અને લદાખ  જવાનું વધારે પસંદ કરતા હતા.

આજથી કાશ્મીરમાં પ્રવાસીઓને એન્ટ્રી તો શરૂ થશે પણ હજુ ખીણમાં કેટલીક એવી મુશ્કેલીઓ છે  જેનો સામનો કરવો પડશે. દાખલા તરીકે હજુ પણ મોબાઇલ ફોન, ઇન્ટરનેટ સુવિધા સંપુર્ણ પણે ચાલુ નથી થઇ. ઠેર ઠેર સુરક્ષા દળો તહેનાત છે.

(11:30 am IST)