મુખ્ય સમાચાર
News of Wednesday, 10th October 2018

ભારતીય રૂપિયો કોમામાં: યશવંતસિંહા

રાફેલ સોદાની વિગતો બહાર આવે તો કેટલાય મોટા માથાના નામ બહાર આવશે

નવી દિલ્હી, તા. ૧૦ :. ભૂતપૂર્વ કેન્દ્રીય નાણામંત્રી યશવંતસિંહાએ મંગળવારે કહ્યું કે દેશમાં મચેલ આર્થિક ખળભળાટે રૂપિયાને કોમામાં પહોંચાડી દીધો છે. રાષ્ટ્રમંચના એક સમારોહમાં સિંહાએ કહ્યું 'જયારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા, ત્યારે તેમણે એક અમેરિકન ડોલરના ૬૦ રૂપિયા થવા પર કહ્યું હતુ કે ભારતીય રૂપિયો આઈસીયુમાં છે. હવે જ્યારે રૂપિયો ૭૫ ઉપર પહોંચવા આવ્યો છે તેઓ શું કહેશે ? હવે રૂપિયો કોમામાં છે'.

આ પહેલા પત્રકારો સાથેની વાતચીતમાં ભાજપાના ભૂતપૂર્વ નેતા યશવંત સિંહાએ કહ્યું, 'અત્યારે એવી સ્થિતિ છે કે કોઈ નાગરિક સરકાર વિરૂદ્ધ પોતાના વિચારો પણ પ્રગટ નથી કરી શકતા. જો કોઈ એવું કરે તો તેને રાષ્ટ્રવિરોધી જાહેર કરી દેવાશે. આ વાત લોકશાહીની મૂળ ભાવના વિરદ્ધ છે.'

રાફેલ સોદાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, 'અમે (હું, પ્રશાંત ભૂષણ અને અરૂણ શૌરી) એનડીએ સરકાર દ્વારા કરાયેલ રાફેલ સોદા ગોટાળા સંબંધે સીબીઆઈમાં ફરીયાદ નોંધાવી છે અને તેના માટે માત્ર એક જ વ્યકિત જવાબદાર છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી.'

તેમણે કહ્યુ કોઈ પણ એટલે કે વડાપ્રધાનને પણ રક્ષા ખરીદી પ્રક્રિયાનું ઉલ્લંઘન કરવાનો અધિકાર નથી પણ વડાપ્રધાન દ્વારા તેનું ઉલ્લંઘન કરાયુ છે. જો સીબીઆઈ આ સોદાનો પર્દાફાશ કરે તો કેટલાય લોકોના નામ બહાર આવશે.'

(3:40 pm IST)