મુખ્ય સમાચાર
News of Monday, 10th September 2018

તમામને સમાન તક આપવી જોઈએ,અનામત નાબૂદ કરવા શકરાચાર્યના નિવેદનથી રાજકીય ખળભળાટ

રાજકીય નેતાઓને પણ આડેહાથ લીધા ;મોદી સરકારની મૂંઝવણ વધી

રાજકોટ :હાલમાં અનામતની માંગને લઇ ગુજરાતમાં હાર્દિક પટેલ ઉપવાસ પર બેઠો છે, બીજી બાજુ એસ.સી/એસ.ટી. એક્ટ ને લઇ ભારે હોબાળો મચી રહ્યો છે,ત્યારે દ્વારકા શારદાપીઠ અને જ્યોતિપીઠ ના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ સૌથી મોટુ નિવેદન આપ્યું છે,તેમણે જણાવ્યું કે, દરેક ને સમાન તક મળે તે માટે અનામત જ કાઢી નાખવું જોઈએ.

 સ્વામીના જણાવ્યા મુજબ, જેને શિક્ષણ,નોકરી અને પ્રમોશન ઍમ બધામાં અનામતની વિશેષ સુવિધા મળી હોય, તેમને કોણ હેરાન કરી શકે છે ? તેમણે સવાલ ઉઠાવ્યો છે કે, " જે લોકો અનામતનો લાભ ઉઠાવી ઉચ્ચ પદો પર બેઠા છે, તો તેમની સતામણી શકય છે ખરી ? તેમનાં પર કોણ અત્યાચાર કરી શકે ?" તેમણે રાજકીય નેતાઓ સામે નિશાન સાધતા જણાવ્યું છે કે, નેતાઓએ દરેક વર્ગના કલ્યાણ માટે વિચારવું જોઈએ,નહિ કે કોઈ ઍક વિશેષ વર્ગ માટે.

સ્વામીજી એ અનામત સંપુર્ણ નાબૂદ કરી દરેક વર્ગ ને ઉન્નતિ ની સરખી તક આપવાની માંગ કરી છે.તેમણે કટાક્ષ કર્યો કે, જો લોકો અનામત ના આધારે ડૉક્ટર બન્યા છે,તેઓ પેટમાં કાતર ભૂલવાના, પ્રોફેસર બન્યા તો ભણાવી નહીં શકવાના, અને જો એન્જિનિયર બન્યા તો પુલ નીચે પાડવાના !!! આમ કરવાને બદલે તેમને પણ પ્રતિસ્પર્ધી માં આવવા દો. ત્યારે જ તેમનો સાચો વિકાસ થશે.તેમને માત્ર વોટબેંક બનાવીને રાખવા એ તેમના પ્રત્યે અત્યાચાર સમાન છે.

(1:56 pm IST)