મુખ્ય સમાચાર
News of Wednesday, 10th August 2022

ડી-ફાર્મ કરેલા અને મેડિકલમાં 3 માસની તાલીમ મેળવનારની ફાર્માસિસ્ટ તરીકે નોંધણી કરવાનો ગુજરાત હાઇકોર્ટનો આદેશ

નોંધણી ન કરવાના સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના હુકમને હાઈકોર્ટે રદ કર્યો : ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI)એ રજૂ કરેલા જવાબ મુજબ અરજદારોએ તાલીમ લીધેલી છે, તેની નોંધણી કરો તો કોઈ વાંધો નથી.

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે, ડી-ફાર્મ (ડિપ્લોમા ઈન ફાર્મસી)નો કોર્સ કર્યો હોય અને મેડિકલ સ્ટોરમાં ત્રણ માસમાં 500 કલાક સુધીનો ફાર્માસિસ્ટ તરીકે તાલીમ મેળવી હોય તેવા લોકોની સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ ( SPC)માં ત્રણ માસમાં ફાર્માસિસ્ટ તરીકે નોંધણી કરો. આ આદેશ સાથે જ સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ દ્વારા અરજદારોને ફાર્માસિસ્ટ તરીકે નોંધણી ન કરવાના હુકમને હાઈકોર્ટે રદ કરી દીધો છે. હાઈકોર્ટનુ અવલોકન છે કે, ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI)એ રજૂ કરેલા જવાબ મુજબ અરજદારોએ તાલીમ લીધેલી છે, તેની નોંધણી કરો તો કોઈ વાંધો નથી.

અરજદારના વકીલની રજૂઆત હતી કે, તેમણે જે કોલેજમાંથી ફાર્મસીનો કોર્સ કરેલો છે તે ફાર્મસી એક્ટની સેક્શન-12 મુજબ માન્યતા પ્રાપ્ત છે. ફાર્મસી પ્રેક્ટિસ રેગ્યુલેશન-2015 મુજબ ફાર્મસીનો કોર્સ કર્યા બાદ વિદ્યાર્થીઓએ મેડિકલ સ્ટોરમાં ત્રણ માસમાં 500 કલાકની તાલીમ લેવી જરુરી છે. જે મુજબ અરજદારોએ તાલીમ મેળવેલી છે. જો કે, SPC તેમને ફાર્મસિસ્ટ તરીકે નોંધણી કરવા મંજૂરી આપતુ નથી. કોલેજના સંદર્ભે સીઆઈડીએ તપાસ કરેલી, જો કે આ મુદ્દે કોઈ વિગત મળી ન હતી.

SPCની રજૂઆત હતી કે અરજદારોએ જ્યાંથી ફાર્મસી કોર્સ કરેલો તે અને જે મેડિકલ સ્ટોરમાંથી તાલીમ મેળવેલી છે, તે માન્યતા પ્રાપ્ત નથી.

PCIએ તેના જવાબમાં કહ્યું છે કે, દેશમાં હજુ સુધી આ મુદ્દે કોઈપણ મેડિકલ સ્ટોરને માન્યતા આપી નથી, આ અંગે પ્રક્રિયા ચાલી રહી છે. જેથી, અરજદારોએ જ્યાંથી તાલીમ મેળવેલી છે, તેને ધ્યાને લઈને તેમની નોંધણી કરાય તો વાંધો નથી.

(9:25 pm IST)