મુખ્ય સમાચાર
News of Monday, 10th August 2020

રાજસ્થાન : ધારાસભ્ય દળની બેઠકમાં ઉઠી માગ, પાયલટ જૂથની વાપસીના દરવાજા બંધ થાય : પગલા ભરવામાં આવશે

અશોક ગેહલોતે કહ્યું કે, આ જીત અમારી અને સત્યની જ થશે

જેસલમેર તા. ૧૦ : રાજસ્થાનની રાજનીતિમાં શું થશે, તે તો નક્કી થવાનું બાકી છે, પરંતુ પક્ષ-વિપક્ષના નેતાઓની બેઠક જારી છે. આ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોત જેસલમેરના સૂર્યગઢ પેલેસ પહોંચ્યા છે. અહીં ધારાસભ્ય દળની બેઠક યોજાઇ છે.

ધારાસભ્ય દળની બેઠકમાંથી મોટો રાજકીય સંદેશ નિકળ્યો છે. પાયલટ કેમ્પ માટે કોંગ્રેસના દરબાજા હવે બંધ થઈ જવાના છે. આ બેઠકમાં ધારાસભ્યોએ સચિન પાયલટ સહિત બળવાખોરો વિરૂદ્ઘ કાર્યવાહી કરવાની માગ કરી છે.

તેના પર પ્રદેશ કોંગ્રેસ પ્રભાવી અવિનાશ પાંડેએ આશ્વાસન આપ્યું કે, બળવાખોરોનું હવે હાઈકમાનની સામે લોબીંગ થશે નહીં. આ બેઠક દરમિયાન શાંતિ ધારીવાલે પાયલટ પર આક્રમક પ્રહારો કર્યા હતા.

તો સીએમ અશોક ગેહલોતે કહ્યું કે, આ જીત અમારી અને સત્યની જ થશે. અમારા ધારાસભ્યોની એકતા અતૂટ છે. ધારાસભ્યની એકતાને કારણે ભાજપે ઘેરાબંધી માટે મજબૂત થવું પડ્યું છે.

ગેહલોતે કહ્યુ કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શું ઈચ્છે છે, તે કોઈથી છુપાયેલું નથી. ભાજપના ષડયંત્રની પોલ ખુલી ગઈ છે. આ ભાજપના ઘણા ધારાસભ્યો પણ જાણે છે. પાર્ટીમાં જૂથવાદ ચરમ પર છે.

(10:09 am IST)