મુખ્ય સમાચાર
News of Friday, 10th August 2018

‘‘છોડમાં રણછોડ'': અમેરિકાના ડલાસ ટેકસાસમાં નિર્માણ પામી રહેલા શ્રી સ્‍વામિનારયાણ ગુરૂકુળના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું

અમેરિકાના ટેકસાસ રાજયમાં ડલાસ શહેર ખાતે નૂતન નિર્માણ પામી રહેલ શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલ યુ.એસ.એ. ના વિશાળ પટાગણમાં વૃક્ષારોપણ  કરવામાં આવેલ.

બત્રીસ  એકરમાં ફેલાયેલ શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલ નિર્માણમાં શ્રી લક્ષ્મીનારાયણદાસજી, શ્રી નારાયણ પ્રસાદજી સ્‍વામી તેમજ શ્રી શાંતિપ્રિયદાસજી સ્‍વામીના વરદ હસ્‍તે વૈદિક મંત્રોના ગાન સાથે વૃક્ષારોપણ કરાયેલ.

છોડમાં રણછોડ માનનારા  આપણે ભારતીયો તુલસી, પીપળો, આસોપાલવને પૂજીએ છીએ. અહીં અમેરિકામાં કોઇ વૃક્ષને પુજતું નથી પણ તેનું જતન  ફરજીયાત કરાય છે. નિયમોનું પાલન પ્રેમ, મહિમા  અને ભયથી માણસ કરતો હોય છે અહી઼ પ્રારંભમાં લોકો કાયદાના ઉલ્લંઘનથી દંડના ભયથી  પાલન કરે છે.   સમય જતાં એ એમની પ્રકૃતિમાં સ્‍વાભાવિક જ વણાય જાય છે.  પછી ભય નહિં પણ ફરજથી નિયમો પાળે છે એમ ડલાસથી પ્રભુસ્‍વામીએ વાત કરતા કહ્યું હતું.

વિશેષમાં તેઓશ્રીએ કહેલ કે ડલાસમાં  નૂતન ગુરૂકુલ નિર્માણમાં ર૧ વૃક્ષો નડતરરૂપ હતા તેને કાપવા મંજુરી માંગેલ. તે વૃક્ષના થડના જટલા ફુટનું ડાયામીટર હોય તેટલા અર્થાત એક ફુટ ડાયામીટરના એક હજાર ડોલર પછી જ મંજુરી મળે. મંજુરીથી વધારે વૃક્ષ કાપવા જાઓ તો પર્યાવરણની ઓફિસમાં લાઇવ ખબર પડે તે તુરત તમારૂ કાર્યને અટકાવી દે ને દંડ કરે.જેટલા વૃક્ષો કાપો તેટલા વૃક્ષો સરકાર કહે તે જાતના વાવવા ફરજીયાત છે.

એકવીસ વૃક્ષને કાપવા માટે આજે શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળ ડલાસમાં સંતો તેમજ અહીંના તન મન ધનથી યોગદાન આપી રહેલા શ્રી ધીરૂભાઇ બાબરીયા, શ્રી અશ્વિનભાઇ બાબરીયા, શ્રી જગદિશભાઇ સુતરીયા, શ્રી દિનેશભાઇ ગજેરા, શ્રી હિતેશભાઇ ગોંડલીયા, શ્રી ઘનશ્‍યામભાઇ કાકડીયા, શ્રી મહેશભાઇ બાબરીયા, શ્રી કિરણભાઇ માંગરોલીયા વગેરે ભકતોએ જાતે જ ખાડા કરી વૃક્ષોનું વાવેતર કરેલ.

છોડની કિંમત પણ અહીં સારી એવી હોય છે. નાના છોડના ચૌદ ડોલરથી   લઇને પાંચ ફૂટના છોડના પાંચસો ડોલર સુધીની કિમંત હોય છે. તેને વાવવાની મજુરી એથી દોઢ ગણી લે છે.  પરંતુ અહીં આપણા ગુજરાતી ભાઇઓ શ્રમયજ્ઞ કરી જાતે જ મજુરી કામ કરી ધન્‍યતા અનુભવે છે.

કેવા વૃક્ષોનું વાવેતર કરાયુ તેમ પૂછતાં શ્રી શાંતિપ્રિયદાસજી સ્‍વામીએ કહેલ કે  વૃક્ષોમાં સીડર, રેડઓક, હોલી, ઇન્‍ડિયન ગ્રાસ, બીગમોલી, મીકસીકન બકાઇ, ડોગવૃડ, લવ લેન્‍ડ, વગેરે નાના મોટા રર૦ વૃક્ષોનું વાવેતર કરેલ. તેવું શ્રી પ્રભુ સ્‍વામી  (98790 00250) ની યાદીમાં  જણાવાયું છે.

(9:27 pm IST)