મુખ્ય સમાચાર
News of Friday, 10th August 2018

આકર્ષક યોજનાઓ કઈ કઈ

વિદ્યાર્થીઓ અને વાલીઓને મોટી રાહત થઇ

અમદાવાદ, તા. ૧૦ : ગુજરાત સરકારે સવર્ણો માટે આજે આકર્ષક યોજનાઓનો વરસાદ કર્યો હતો જેના ભાગરુપે શ્રેણીબદ્ધ યોજનાઓ જાહેર કરીને સવર્ણ સમુદાયમાં ખુશીની લહેર ફેલાવી દીધી હતી. યોજનાઓના ભાગરુપે વિદેશ અભ્યાસ માટે ૧૫ લાખ અને ટ્યુશન ફી પેટે ૧૫૦૦૦ની મદદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આકર્ષક યોજનાઓની વિગત નીચે મુજબ છે.

(૧) શૈક્ષણિક અભ્યાસ યોજના

   રાજ્યમાં ચાલતા મેડિકલ, ડેન્ટલના સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો, વ્યવસાયિક અભ્યાસક્રમો, એન્જિનિયરિંગ, ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર, આયુર્વેદિક, હોમિયોપેથી, ફિઝિયોથેરાપી, વેટરનરી વગેરે અભ્યાસક્રમો માટે (હાયર એજ્યુકેશન જેવા કે બીબીએ, બીકોમ, બીએસસી, બીએ વગેરે સિવાય) સમગ્ર અભ્યાસક્રમની કુલ ટ્યુશન ફી અથવા ૧૦ લાખ રૂપિયા તે બે પૈકી જે ઓછું હોય તે પ્રમાણેની લોન ૪ ટકાના સાદા વ્યાજે નિગમ તરફથી આપવામાં આવશે.

લાભ મેળવવા માટે શૈક્ષણિક લાયકાતના ધોરણો

   વિદેશ અભ્યાસ માટે રૂ.૧૫ લાખની લોન માટે વિદ્યાર્થીએ ધોરણ ૧૨માં ૬૦ ટકા કે તેથી વધુ મેળવવા જરૂરી છે. આ લોન પર વાર્ષિક ૪ ટકા લેખે સાદું વ્યાજ લેવામાં આવશે. તેમજ પરિવારની વાર્ષિક આવક રૂપિયા ૩ લાખ કે તેથી ઓછી હોવી જોઇએ. અરજદાર બિનઅનામત વર્ગના હોવા જોઇએ.

(૨) વિદેશ અભ્યાસ માટે લોન સહાય

   આ યોજનાનો લાભ મેળવવા ઇચ્છતા અરજદારે ધોરણ ૧૨ પછી એમબીબીએસ માટે , ડિપ્લોમાં પછી ડીગ્રી માટે, સ્નાતક બાદ અનુસ્નાતક માટે અને રિસર્ચ જેવા ટેકનિકલ, પેરામેડિકલ, પ્રોફેશનલ વગેરે જેવા કોઇપણ પ્રકારના વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે કુલ રૂપિયા ૧૫ લાખની વિદેશ અભ્યાસ લોન નિગમ તરફથી આપવામાં આવશે.

વિદેશ અભ્યાસ માટે લોન લેવા માટેની લાયકાત અને ધોરણો

અરજદારે ધોરણ ૧૨માં ૬૦ ટકા કે તેથી વધુ મેળવેલા હોવા જોઇએ. ૧૫ લાખ રૂપિયાની આ લોન માટે વાર્ષિક ૪ ટકાના દરે સાદું વ્યાજ લેવામાં આવશે.  પરિવારની વાર્ષિક આવક મર્યાદા ૪.૫૦ લાખ કે તેથી ઓછી હોવી જરૂરી છે.

(૩) ભોજન બીલ સહાય

   બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાના મેડિકલ, ડેન્ટલ, ટેકનીલ, પેરા મેડિકલમાં અભ્યાસ કરતા હોય અને પોતાના પરિવારથી દૂર પોતાના તાલુકામાં શૈક્ષણિક વ્યવસ્થા ન હોય અને તાલુકા બહાર અભ્યાસ કરતા હોય તેવા સરકારી અનુદાનિત સિવાયના છાત્રાલયમાં રહી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને દસ મહિના માટે માસિક રૂ.૧૨૦૦ લેખે ભોજનબીલ સહાય મળવાપાત્ર થશે. કોઇપણ સમાજ, ટ્રસ્ટ, સંસ્થા દ્વારા સંચાલિત કન્યા છાત્રાલયમાં રહીને ધોરણ-૯થી ધોરણ-૧૨માં અભ્યાસ કરતી કન્યાઓને પણ ઉપરમુજબની ફુડ બીલ સહાય મળવાપાત્ર થશે. આ માટે કુંટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ.ત્રણ લાખ કે તેથી ઓછી રહેશે.

(૪) ટયુશન સહાય યોજના

   બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને ધોરણ-૧૦માં ૭૦ ટકા મેળવ્યા હોય અને ધો-૧૧,૧૨માં વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ વાર્ષિક રૂ.૧૫ હજારની ટયુશન પ્રોત્સાહક સહાય આપવામાં આવશે. કોઇપણ સમાજ, ટ્રસ્ટ, સેવાભાવી સંસ્થા દ્વારા સંચાલિત ટયુશન, કોચીંગ કલાસમાં પણ અભ્યાસ કરતાં લાયકાત ધરાવતાં વિદ્યાર્થીઓને આ સહાય મળવાપાત્ર થશે. આ માટેની લાયકાતના ધોરણોમાં ધોરણ-૧૦માં ૭૦ ટકા કે તેથી વધુ અને દરે વર્ષમાં માત્ર એક જ વાર સહાય મળવાપાત્ર રહેશે.

(૫) જેઇઇ, ગુજકેટ, નીટની પરીક્ષા માટે કોચીંગ સહાય

   બિનઅનામત વર્ગના ધોરણ-૧૨ના વિદ્યાર્થીઓને મેડિકલ, એન્જીનીયરીંગમાં પ્રવેશની જરૂરી પરીક્ષાઓ જેઇઇ, ગુજકેટ, નીટની તૈયારીના કોચીંગ માટે ધોરણ-૧૦માં ૭૦ ટકા હોય તેવા વિદ્યાર્થીઓને ત્રણ વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતી સંસ્થાઓમાં કોચીંગ માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ.૨૦ હજાર અથવા ખરેખર ફી એ બેમાંથી જે ઓછુ હોય તે કોચીંગ સહાય તરીકે અપાશે.

(૬) સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તાલીમ સહાય

   સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ જેવી કે જીપીએસસી, યુપીએસસી, ગૌણ સેવા, પંચાયત સેવા પસંદગી મંડળ તથા કેન્દ્ર સરકારની ભરતીની પરીક્ષાની તૈયારી કરવા માટે માન્યતા પ્રાપ્ત સંસ્થામાં કોચિંગ લેતા તાલીમાર્થીઓને ૨૦,૦૦૦ રુપિયા સુધીની સહાય મળશે. આ યોજનાનો લાભ લેવા માટે ધોરણ ૧૨માં ૬૦થી વધુ ટકા અને પરિવારની આવક મર્યાદા ૩ લાખ સુધીની હોવી જરુરી છે. તમામ સહાય વિદ્યાર્થીઓેને જ ચૂકવવામાં આવશે. સંસ્થા કે ટ્યૂશન ક્લાસિસને ચૂકવાશે નહીં

(૭) સ્વરોજગાર લક્ષી યોજના

   સરકાર દ્વારા સવર્ણો માટે સ્વરોજગારલક્ષી યોજનાની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં રિક્ષા, લોડીંગ રીક્ષા, મારૂતી ઇકો, જીપ-ટેક્ષી, વાન જેવા સ્વરોજગારલક્ષી વાહનો, ટ્રાન્સપોર્ટ લોજીસ્ટીક, ફુડ કોર્ટ વગેરે વ્યવસાય માટે વાહન જરૂરી સ્ટ્રકચર મેળવવા તેમ જ કરિયાણાની દુકાન, મેડિકલ સ્ટોર, બુક સ્ટોર, ઓફિસ કરવા માટે ૧૦ લાખ રુપિયાની પાંચ ટકા વ્યાજ લેખે સહાય કરશે. આ ઉપરાંત વ્યવસાય કરવા માંગતા સ્નાતક, વકીલ, એન્જિનિયરને પણ સરકાર પાંચ ટકાના વ્યાજ પર ૧૦ લાખ સુધીની સહાય કરશે. જ્યારે મહિલાઓને ૪ ટકાના વ્યાજે લોન આપવામાં આવશે

(૮) સ્નાતક તબીબ, વકીલ, ટેકનીકલ સ્નાતક માટે વ્યાજ સહાય

   તબીબ, વકીલ, ટેકનીકલ સ્નાતક વગેરે માટે બિનઅનામત વર્ગના લાભાર્થીઓ પોતાનું કલીનીક, લેબોરેટરી, રેડિયોલોજી, કલીનીક કે ઓફિસ ખલોવા ઇચ્છે તો બેંક પાસેથી લીધેલી દસ લાખ સુધીની લોન પર પાંચ ટકા વ્યાજ સહાય અપાશે. આ સહાય માટે કુટંુબની વાર્ષિક આવકમર્યાદા રૂ.ત્રણ લાખ કે તેથી ઓછી હોવી જરૂરી રહેશે. અરજદાર ગુજરાતના સ્થાનિક વતની હોવા જોઇશે અને અરજદારની ઉમંર ૧૮થી ૫૦ વર્ષ સુધીની જ હોવી જોઇએ.

(7:29 pm IST)