મુખ્ય સમાચાર
News of Friday, 10th August 2018

અમેરિકામાં ભારતીય એન્જિનિયરને ઇરાનીયન સમજી હત્યા કરનાર નેવીના જવાનને સતત ત્રણ જન્મટીપની સજા

ન્યૂયોર્ક તા. ૧૦ : ગયા વર્ષે કનસાસ શહેરના એક બારમાં ભારતીયોને ઇરાનિયન સમજી તેમની પર આડેધડ ફાયરીંગ કરી એન્જીનિયર શ્રીનિવાસ કુચીભોટલાની હત્યા કરી અન્ય બે જણાને ઘાયલ કરનાર અમેરિકી નેવીના નિવૃત્તિ સૈનિકને સતત ત્રણ જન્મટીપની સજા ફટકારાઇ હતી. ઓલાથેન પુરિટોને કરેલા ગોળીબારમાં શ્રીનિવાસ માર્યો ગયો હતો અને અન્ય બે જણાને ઘાયલ કર્યા હતા. જેમાં એક ભારતીય આલોક મદસાની અને બીજો કન્સાસ શહેરનો ઇયાન ગ્રીલોટનો સમાવેશ થતો હતો.

ફેડરલ ઓપન કોર્ટમાં એકરારનામામાં પુરિટોને કબુલ્યું હતું કે, એણે શ્રીનિવાસ અને મદસાનીને તેમના રંગ, વંશ અને નાગરિકતાના આધારે માર્યા હતા. ગ્રીલોટને તો પોતે ભાગી શકે એટલા માટે માર્યો હતો. પરિટોને સ્ટેટ કોર્ટમાં પણ હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો કબુલ્યો હતો. તેને રાજ્યની જેલમાં આજીવન સજાનો ઓર્ડર થયો હતો.

ગઇકાલે ફેડરલ કોર્ટમાં ૫૩ વર્ષના હત્યારાને ફટકારવામાં આવેલી સજા સતત કાપવી પડશે.(૨૧.૧૫)

(4:10 pm IST)