મુખ્ય સમાચાર
News of Friday, 10th August 2018

દેશના ૨૧ રાજયોમાં ૩'દિ ભારે વરસાદનું હવામાન ખાતાનું એલર્ટ

  નવી દિલ્હીઃ કેરાલામાં ઇડુકકી જીલ્લામાં ભારે વરસાદ પછી પેરીયાર નદીનું જળસ્તર વધવાથી પુર આવ્યું છે. સતત વરસાદના કારણે કેરાલાના કેટલાય વિસ્તારો પાણીમાં ડુબી ગયા છે. અત્યાર સુધીમાં વરસાદ અને ભુસ્ખલનથી ૨૬ લોકોના મોત થયા છે. વરસાદના કારણે કેરાલાના ઇલેકટ્રીસીટી બોર્ડે રેડ એલર્ટ જાહેર કર્યું છે. અલપુઝામાં શનિવારે યોજાનાર વાર્ષિક નહેરૂ બોટ રેસ સ્થગીત કરાઇ છે.

 છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદ અને ભુસ્ખલનથી ૨૬ લોકોના મોત થયા છે જેમાં ૧૧ લોકો ઇડુકકી જીલ્લાના છે કાટમાળમાંથી બે લોકોને બચાવી લેવાયા છે. અમેરીકાએ પોતાના નાગરીકોને કેરાલાનો પ્રવાસ ન ખેડવા એડવાઇઝરી જાહેર કરી છે

 હવામાન  ખાતાએ ૩ દિવસ સુધી ૨૧ રાજયોમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. જેમાં ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, જમ્મુકાશ્મીર, હિમાચલ પ્રદેશ, હરીયાણા, દિલ્હી, ઝારખંડ, બિહાર, પ્રશ્ચિમ બંગાળ, સિકકીમ, મધ્યપ્રદેશ, અરૂણાચલ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણીપુર, મિઝોરમ, ત્રિપુરા, કર્ણાટક, તામીલનાડુ, કેરાલા અને અંદમાન નિકોબારનો સમાવેશ થાય છે. માહિતી અનુસાર કેરાલામાં ૨૪ કલાકમાં ૩૩૭ ટકા વધુ વરસાદ થયો છે. સરેરાશ ૧૩.૯ મીમી વરસાદને બદલે ૬૬.૨ મીમી વર્ષા થઇ છે. એસડીઆરએફ, એનડીઆરએફ, આર્મી નેવી અને કોસ્ટગાર્ડના જવાનોને બચાવ કાર્ય માટે તૈનાત કરાયા છે. બેંગલુરૂથી સેનાની એક ટુકડી પણ મંગાવાઇ છે. મુખ્યમંત્રી પિનરાચી વિજયને સ્થિતિને ખુબ જ વિકટ ગણાવી છે. કેરાલાની મોટાભાગની નદીઓ ઉફાન પર છે. ૨૪ જેટલા ડેમોના દરવાજા ખોલાયા છે. ઇડુકકી ડેમમાંથી પાણી છોડવા માટે રેડ એલર્ટ પહેલા જ જાહેર કરાયું છે.

(3:59 pm IST)