મુખ્ય સમાચાર
News of Friday, 10th August 2018

અનરાધાર વરસાદ બન્યો મુસીબત : એરપોર્ટ ડૂબી જાય તેવી આશંકા

ડેમોના તમામ દરવાજા ખોલાયા : અમેરિકાએ નાગરિકોને કેરળ ન જવા સલાહ આપી

તિરૂવનંતપુરમ તા. ૧૦ : એક તરફ ગુજરાતમાં વરસાદ ખેંચાતા ચિંતાના વાદળો ઘેરાયા છે, ત્યારે કેરળમાં થઈ રહેલા અનરાધાર વરસાદને કારણે ગંભીર સ્થિતિ ઉભી થઈ છે. ભારે વરસાદને કારણે હવે તો કોચી એરપોર્ટ આખું ડૂબી જાય તેવી આશંકા વ્યકત કરવામાં આવી છે.

પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે એનડીઆરએફની ટીમ ઉપરાંત આર્મી અને એરફોર્સને પણ કામે લગાડાયા છે. છેલ્લા ૨૪ કલાકથી કેરળમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે ૨૬ લોકોના મોત થયા છે, અને ચાર લોકો લાપતા છે. રાજયમાં આવેલા ૨૪ ડેમોમાં જળસ્તર ભયજનક સપાટીએ પહોંચી જતા તમામ ડેમના બધા દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.કેરળના ઈદુક્કી ડેમમાં પાણીનું સ્તર એટલું વધી ગયું છે કે લગભગ અઢી દાયકા બાદ આ ડેમના દરવાજા ખોલવાની નોબત આવી છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં તો રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. કેરળની સ્થિતિને જોતા અમેરિકાએ પોતાના નાગરિકોને હાલ કેરળનો પ્રવાસ ન કરવા માટે સલાહ આપી છે.બીજી તરફ, કોચી ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ પેરિયાર નદીમાં વધી રહેલા જળ સ્તરને કારણે જળમગ્ન થઈ જાય તેવી આશંકા છે. આ નદી એરપોર્ટની બિલકુલ પાસેથી જ વહે છે. ગઈકાલે તો સ્થિતિને જોતા વિમાનોના લેન્ડિંગ પણ અટકાવી દેવામાં આવ્યા હતા.(૨૧.૨૯)

(3:53 pm IST)