મુખ્ય સમાચાર
News of Friday, 10th August 2018

હોલિડેના પ્લાનિંગ માટે ભારતીયો દ્વારા ૬થી૧૦ કલાક ઓનલાઇન સર્ચ

નવીદિલ્હી, તા.૧૦: લગભગ ૪૨ ટકા ભારતીયો એક અઠવાડિયા જેટલી લાંબી રજા પર જતા પહેલાં હોટેલો, એરલાઇન્સ કે કોબ્બો ઓફર્સ પર ઓનલાઇન રિસર્ચ કરવા માટે સહેજે છ થી દસ કલાકનો સમય ફાળવે છે. લાંબી રજા પર જતાં પહેલાં લગભગ ૨૩ ટકા ભારતીયો ૧૧થી૩૦ કલાક, જયારે ૨૦ ટકા લોકો ૩૦ કલાક કરતાં વધુ સમય ખર્ચે છે. એમ એક સર્વેમાં જણાવવામાં આવ્યું છે. ૩૦ મેથી ૨૫ જૂન દરમ્યાન દિલ્હી, મુંબઇ, બેન્ગલોર, હૈદરાબાદ, ચેન્નાઇ અને પૂણે જેવાં શહેરોમાં ૧૮ વર્ષ તથા એથી વધુ વયના ૬૦૦ નોકરિયાતોને આવરી લઇને ઓનલાઇન સર્વે કરવામાં આવ્યો હતો. રિસર્ચ માટે વધુ સમય ફાળવવા બદલ આશરે ૧૪ ટકા લોકોને તેમના પાર્ટનર્સ સાથે ઝઘડો પણ થાય છે. ૯૩ ટકા લોકો ફલાઇટની ટિકિટ બુક કર્યાના એક સપ્તાહમાં હોટેલનું બુકિંગ કરાવે છે. જોકે જો હોટેલમાં ડિસ્કાઉન્ટ મળતું હોય તો ૨૭ ટકા લોકો તરત જ બુકિંગ કરી દે છે. ૯૦ ટકા કરતાં વધુ લોકો ઓફર પિરિયડમાં જ બુકિંગ કરાવે છે. ૬૫ ટકા ભારતીયો એકદમ સારી હોટેલ મેળવવાનું જોખમ લેતા નથી. ૧૭ ટકા લોકો ઓફરના છેલ્લા દિવસ સુધી બુકિંગ કરવા રાહ જુએ છે. નવ ટકા લોકો રજા મંજૂર થતાં પહેલા જ હોટેલનું બુકિંગ કરાવે છે. જયારે  ફલાઇટની  બુકિંગ થતા પહેલાં ૬ ટકા લોકો હોટેલ બુક કરાવે છે અને ચાર ટકા લોકો છેલ્લી ક્ષણે પોતાનાં ફરવાનાં સ્થળોમાં ફેરફાર કરતા હોય છે.

(3:49 pm IST)