મુખ્ય સમાચાર
News of Friday, 10th August 2018

કેરળમાં જળ તાંડવ : અનેક ક્ષેત્રોમાં ૧ માળ સુધી પાણી સોમવાર સુધી અતિ ભારે વરસાદની ચેતવણી

કોચીથી રપ૦૦ થી વધુ લોકો સહિત વિવિધ વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે રાહત કેમ્પોમાં ખસેડી દેવાયા છે

કોચી,તા. ૧૦: કેરળમાં જળ તાંડવની સ્થિતીના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે. ભારે વરસાદ અને ભેખડો ધસી પડવાના બનાવોમાં મોતનો આંકડો વધીને હવે ૨૭ ઉપર પહોંચી ગયો છે. કોચીમાંથી ૨૫૦૦ સહિત અન્ય વિસ્તારોમાંથી હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. રાજ્યના જુદા જુદા ભાગમાં રાહત કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. ૫૦૦થી વધારે રાહત કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે. જ્યાં લોકોને રાખવામાં આવ્યા છે. પેરિયાર નદીમાં રૌદ્ધ સ્વરૂપની સ્થિતી છે.

ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાહાકાર મચી ગયો છે. ઇડુક્કીમાં ભેખડો ધસી પડવાના બનાવોમાં ૧૦ લોકોના, મલપ્પુરમમાં પાંચ, કન્નુરમાં બે, વાયનાડ જિલ્લામાં એકનું મોત થયું છે . વાયનાડ, પલક્કડ અને કોઝીકોડે જિલ્લામાં એક એક વ્યક્તિ લાપત્તા હોવાના અહેવાલ મળ્યા છે.

ઇડુક્કીના અડીમાલી શહેરમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે. અતિ ભારે વરસાદના પરિણામ સ્વરુપે ઇડુક્કી બંધમાં પાણીની સપાટી ખુબ વધી જતાં જુદા જુદા દરવાજા ખોલવા પડ્યા હતા. મુખ્યમંત્રી પિનારાય વિજયને કહ્યું છે કે, આર્મી, નેવી, કોસ્ટ ગાર્ડ અને એનડીઆરએફની મદદ માંગવામાં આવી છે. એનડીઆરએફની જુદી જુદી ટીમો સક્રિય છે.  

ભારે વરસાદના પરિણામ સ્વરુપે કોઝીકોડ અને વાલાયર વચ્ચે રેલવે ટ્રેકને પણ ભારે નુકસાન થયું છે. આ રુટ ઉપર રેલવે સેવા રોકી દેવામાં આવી છે. ડિવિઝનલ રેલવે મેનેજર અને અન્ય અધિકારીઓએ પરિસ્થિતિની સમીક્ષા કરી છે. અહીં ટ્રેકને વ્યવસ્થિત કરવાની કામગીરી ચાલી રહી છે. ટ્રેન સેવાને અસર થઇ છે.

વહીવટીતંત્રને ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાઈએલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે. કોઝીકોડ અને વાયનાડ જિલ્લામાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાલત કફોડી બનેલી છે. એનડીઆરએફની એક ટીમ કોઝીકોડે પહોંચી ચુકી છે. કેન્દ્રમાંથી ઉત્તર કેરળ માટે બે ટીમોને મોકલવામાં આવી છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે ઇડુક્કી, કોલ્લામ અને અન્ય કેટલાક જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. (૯.૧૬)

 

(3:53 pm IST)