મુખ્ય સમાચાર
News of Friday, 10th August 2018

રાજીવ ગાંધી હત્યા કેસઃ કેન્દ્રએ સુપ્રીમમાં કહ્યું- 'હત્યારાઓને મુકત ન કરી શકાય'

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે આ નિર્ણય અંગે એપ્રિલ, ૨૦૧૮માં જ તામિલનાડુ સરકારને જાણ કરી દેવામાં આવી હતી.

નવી દિલ્હીઃ દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા મામલે આજે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, રાજીવ ગાંધીના હત્યારાઓને મુકત ન કરી શકાય. આ કેસ દેશના પૂર્વ વડાપ્રધાનની હત્યા સાથે જોડાયેલો છે. સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, આ કેસની તપાસ કરનાર એજન્સી સીબીઆઈએ પણ દોષિતોને મુકત કરવા અંગે વિરોધ ઉઠાવ્યો હતો.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે આ નિર્ણય અંગે એપ્રિલ, ૨૦૧૮માં  જ તામિલનાડુ સરકારને જાણ કરી દેવામાં આવી હતી. નોંધનીય છે કે રાજીવ ગાંધીની હત્યામાં સંડોવાયેલા સાત જેટલા દોષિતો છેલ્લા ૨૭ વર્ષથી તામિલનાડુની જેલમાં બંધ છે. તામિલનાડુની સરકારે સુપ્રીમ કોર્ટમાં આરોપીઓને છોડવા અંગે અરજી કરી હતી જેના પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્ણય લેવા માટે કહ્યું હતું. ૨૦૧૫ના વર્ષમાં સુપ્રીમ કોર્ટની એક બંધારણીય બેંચે જણાવ્યું હતું કે કોઈ પણ દોષિતને કેન્દ્ર સરકારની સહમતિ વગર છોડી ન શકાય.

કેન્દ્ર સરકારે આ મામલે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામાને રેકર્ડ પર લીધું હતું. આ સોગંદનામામા કહેવામાં આવ્યું છે કે દેશના રાષ્ટ્રપતિએ પણ આ સાતેય દોષિતોને મુકત કરવાની અરજી ફગાવી દીધી છે.

(3:28 pm IST)