મુખ્ય સમાચાર
News of Friday, 10th July 2020

પંજાબ-હરીયાણામાં વરસાદનું જોર વધશેઃ દિલ્હીવાસીઓને હજુ રાહ જોવી પડશે

દક્ષિણ ભારત અને પહાડી વિસ્તારોમાં વરસાદની શકયતા નહિવતઃ સ્કાયમેટ

નવી દિલ્હીઃ દેશના અમુક ભાગોમાં નેઋત્યનું ચોમાસુ સક્રિય છે જયારે અમુક રાજયોમાં હજુ પણ ધારણા કરતા ઓછો વરસાદ પડયો  છે. આગામી ત્રણેક દિવસ પંજાબ અને હરિયાણામાં તેમજ બિહારમાં ભારે વરસાદ પડશે. તો દક્ષિણ તેમજ બિહારમાં ભારે વરસાદ પડશે તો દક્ષિણ ભારત અને પહાડી વિસ્તારોમાં વરસાદની સંભાવના નહિવત હોવાનું વેધરની સંસ્થા સ્કાયમેટે જણાવ્યંુ છે.

દેશભરમાં નેઋત્યનું ચોમાસુ સક્રિય થયુ નથી. કોઇ-કોઇ રાજયોમાં બેફામ ખાબકયો છે. પુર જેવી સ્થિતિ સર્જાઇ છેે.ઉત્તર ભારતમાં ચોમાસુ મહેરબાન નથી. પહાડી વિસ્તારોમાં ચોમાસુ સક્રિય ત્યારે બને છે જયારે સક્રિય સીસ્ટમ્સનો લાભ મળે. આવી સ્થિતિ ચોમાસાના આગમનથી અત્યારસુધી બની નથી. જમ્મુ-કાશ્મીર સહિત હિમાલયના પહાડી વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થયો નથી.

નેઋત્યના ચોમાસાની અક્ષીય રેેખા ગુજરાત ઉપર હતી જે આગળ વધી પંજાબ ઉપર પહોંચી ગઇ છે. હરીયાણા અને ઝારખંડ ઉપર ટ્રફ બનેલુ છે. આ સિસ્ટમ્સની અસરથી પંજાબ અને ઉત્તર હરીયાણામાં વરસાદનું જોર વધશે. ૧૦થી ૧૨ જુલાઇ દરમિયાન અમૃતસર, પઠાણકોટ, જલંધર સહિત ઉત્તર પંજાબ, કરનાલ અંબાલા ચંદીગઢમાં વરસાદની માત્રા વધુ રહેશે. જયારે દક્ષિણમાં ઓછી જોવા મળશે.

જયારે દિલ્હી, ગાઝીયાબાદ, ગૌતમબુધ્ધમાં વરસાદના આગમન માટે હજુ રાહ જોવી પડશે. આગામી ત્રણ-ચાર દિવસ વરસાદની સંભાવના નહિવત છે.

ઉત્તર ભારતમાં જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લદાખ, ઉત્તરાખંડમાં વરસાદની સંભાવના છે. બિહારમાં પણ આગામી ત્રણથી ચાર દિવસ એકધારો વરસાદ ચાલુ રહેશે. સામાન્ય જનજીવન અસ્ત-વયસ્ત બની જશે. પશ્ચિમ બંગાળ, સિકિકમ, અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડમાં પણ વરસાદનું રોંદ્ર સ્વરૂપ જોવા મળશે.

જો કે દક્ષિણ ભારતમાં ચોમાસાનો વરસાદ જોવા મળશે નહિ. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં સારા વરસાદની શકયતા છે.

(12:51 pm IST)