મુખ્ય સમાચાર
News of Friday, 10th July 2020

વિકાસ દુબેના એન્કાઉન્ટર બાદ અનેક સવાલ ઉઠ્યા : તપાસની માંગ લઇને સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ

વિકાસ દુબેએ મધ્યપ્રદેશમાં પોતાની ધરપકડ કરાવી હતી જેથી તે એન્કાઉન્ટરથી બચી શકે.

નવી દિલ્હી : કાનપુર એન્કાઉન્ટરનાં મુખ્ય આરોપી વિકાસ દુબેની ગુરુવારે મધ્ય પ્રદેશનાં ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવી હતી. યુપી પોલીસનાં જણાવ્યા અનુસાર, કાનપુર પાછા આવી રહ્યા હતા ત્યારે યુપી એસટીએફએ તેને એન્કાઉન્ટરમાં માર્યો હતો, જો કે આ એન્કાઉન્ટર બાદ ઘણા સવાલો ઉભા થયા છે. જે બાદ હવે આ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. વળી યુપી પોલીસ પર વિકાસ દુબેનાં મકાન અને વાહનો તોડવાના આરોપ હેઠળ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

આ ઘનશ્યામ ઉપાધ્યાય નામનાં એક વકીલે ગુરુવારે મોડી રાત્રે સુપ્રીમ કોર્ટમાં પીઆઇએલ દાખલ કરી હતી. જેમાં વિકાસ દુબેનાં એન્કાઉન્ટરની આશંકા વ્યક્ત કરાઈ હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે મીડિયા અહેવાલો અનુસાર વિકાસ દુબેએ મધ્યપ્રદેશમાં પોતાની ધરપકડ કરાવી હતી જેથી તે એન્કાઉન્ટરથી બચી શકે. આવી સ્થિતિમાં યુપી પોલીસની ભૂમિકા શંકાસ્પદ છે. અરજીમાં આ કેસની સીબીઆઈ તપાસની પણ માંગ કરવામાં આવી છે. વિકાસ દુબેનાં ઘર અને વાહનોને નુકસાન પહોંચાડવા માટે યુપી પોલીસ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઇએ એમ પણ કહેવામાં આવ્યું હતું. હવે વિકાસ દુબેની એન્કાઉન્ટર બાદ આજે આ કેસમાં સુનાવણીની માંગ કરી શકાય છે.

યુપી પોલીસનાં જણાવ્યા અનુસાર ગેંગસ્ટર વિકાસ દુબે સાથે કાનપુર આવી રહેલી એસટીએફનાં કાફલાની ગાડી દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. વિકાસ દુબે પણ આ વાહનમાં હતો, એવું કહેવામાં આવે છે કે આ દરમિયાન વિકાસ દુબેએ એસટીએફનાં પોલીસકર્મીઓની પિસ્તોલ છીનવીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારબાદ પોલીસ ટીમે વિકાસ દુબે પર ફાયરિંગ કર્યું હતું. આ એન્કાઉન્ટરમાં એક ગોળી વિકાસનાં માથામાં લાગી હતી અને તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને હોસ્પિટલ લઈ જતા તેનું મોત નીપજ્યું હતું. કાનપુર એસપીએ તેમના મૃત્યુની સત્તાવાર પુષ્ટિ કરી છે.

(12:00 pm IST)