વિકાસ દુબેનો કિસ્સો દફન : અનેક રહસ્યો ધરબાઇ ગયા : મોઢુ ખોલત તો કંઇકના તપેલા ચડી જાત
નેતા - ઓફિસર - અપરાધી ગઠબંધનનો ખુલાસો પણ થઇ જવાનો હતો
નવી દિલ્હી તા. ૧૦ : પોલીસ કર્મચારીની હત્યાનો આરોપી વિકાસ દુબે એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. આ પ્રકારે વિકાસના આતંકનો ખાત્મો થઇ ગયો છે તેના મોત સાથે અનેક રહસ્યો દફન થઇ ગયા છે. એવું કહેવાય છે કે વિકાસ જો પૂછપરછમાં મોઢું ખોલત તો અનેક મોટા ચહેરાઓ બેનકાબ થઇ જાત. ઉજ્જૈન પોલીસ અને એસટીએફએ તેની કલાકો સુધી પૂછપરછ કરી હતી.
મહાકાલ મંદિરમાંથી ધરપકડ બાદ વિકાસના નજીકના લોકોની ચિંતા વધી ગઇ હતી. વિકાસના મોત બાદ પણ તેની પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે મદદ કરનારા લોકો મુશ્કેલીમાં મુકાઇ શકે છે.
એવું કહેવાય છે કે જો વિકાસ મોઢું ખોલત તો નેતા, ઓફિસર, અપરાધી ગઠબંધનનો ખુલાસો થઇ જાત. જેનાથી અનેક લોકોની મુશ્કેલી વધી જાત. હિસ્ટ્રીશીટર સાથે રહેનારા, મદદ કરનારા લોકોને પરસેવો વળી ગયો હતો કે વિકાસ નામ તો નહિ લ્યે ને.
એવી સંભાવના હતી કે વિકાસ એવા ચહેરાને પણ બેનકાબ કરી દેશે જે સત્તારૂઢ લોકો તેની મદદ કરતા હતા.