મુખ્ય સમાચાર
News of Monday, 10th June 2019

કઠુઆ રેપ-મર્ડર કેસ

૧૭ માસ બાદ ઇન્સાફઃ ૭માંથી ૬ દોષિત જાહેરઃ સાંજી રામનો પુત્ર નિર્દોષઃ ૪ વાગ્યા પછી સજાનું એલાન

પઠાનકોર્ટની ફાસ્ટટ્રંક અદાલતે સંભળાવ્યો ચુકાદો

નવીદિલ્હી, તા.૧૦: જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં બંજારા સમુદાયની આઠ વર્ષની બાળકી પર ગેંગરેપ અને તેની હત્યાના કેસમાં સ્પેશ્યલ કોર્ટમાં સાતમાંથી ૬ આરોપીઓને દોષિત ગણાવ્યા છે. દોષિત જાહેર કરાયેલા આરોપીઓમાં મુખ્ય આરોપી સાંઝી રામ પણ સામેલ છે. સજાનું એલાન ૪ વાગ્યે થશે.

સાંજી રામ સિવાય સ્પેશ્યલ પોલીસ ઓફિસર દીપક ખજુરિયા, સુરેન્દ્ર વર્મા, હેડ કોન્સ્ટેબલ અને આનંદ દત્ત્।ા અને પ્રવેશ દોશીને દોષિત ગણાવ્યા છે. જયારે સાંજી રામના દીકરા વિશાલને નિર્દોષ જાહેર કરાયો છે. આ કેસમાં સજાની જાહેરાત આજે બપોરે થશે. સોમવારના રોજ તમામ આરોપી પઠાનકોટમાં આવેલી સ્પેશ્યલ કોર્ટમાં હાજર હતા. આરોપીઓને આજીવન કેદથી લઇ મોત સુધીની સજા થઇ શકે છે. એક આરોપી કિશોર છે. કિશોર આરોપીના વિરૂદ્ઘ કેસ હજુ શરૂ થયો નથી અને તેની ઉંમર સંબંધિત અરજી પર જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટ સુનવણી કરશે.

કઠુઆ કેસમાં પોલીસે કુલ ૭ લોકોની ધરપકડ કરાઇ છે. તેમાં એક વ્યકિત સગીર હોવાનું જણાવવામાં આવ્યું છે. જોકે મેડિકલ ટેસ્ટમાં સામે આવ્યું છે કે, સગીર આરોપી ૧૯ વર્ષનો થઈ ગયો છે. સમગ્ર ઘટનાના મુખ્ય આરોપીએ પણ સરન્ડર કરી દીધું છે. જે સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં સ્પેશિયલ પોલીસ ઓફિસર દિપક ખજુરિયા, પોલીસ ઓફિસર સુરેન્દ્ર કુમાર, રસાના ગામનો પરવેશ કુમાર, આસિસ્ટન્ટ સબ ઈન્સપેકટર આનંદ દત્ત્।ા, હેડ કોન્સ્ટેબલ તિલક રાજ, પૂર્વ રેવન્યુ ઓફિસરનો દીકરો વિશાલ, તેનો પિતરાઈ ભાઈ જે સગીર ગણાવવામાં આવ્યો છે. આ સિવાય મુખ્ય આરોપી ગામના સરપંચ સાંજી રામની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે.

કઠુઆ ગેંગરેપ કેસમાં સુપ્રીમ કોર્ટને તેની ટ્રાયલ ચંદીગઢ શિફ્ટ કરવાની અને આ કેસની સીબીઆઈને સોંપવાની અરજી કરવામાં આવી હતી. પીડિતાના પિતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કેસને જમ્મુ-કાશ્મીરમાંથી બહાર ટ્રાન્સફર કરવાની માંગણી કરી હતી. ત્યારપછી સુપ્રીમ કોર્ટે નિર્ણય કરીને સુનાવણી પંજાબની પઠાણકોટ કોર્ટમાં ટ્રાન્સફર કરી હતી. સુપ્રીમે આ કેસની સીબીઆઈ તપાસની માગણી નકારી દીધી હતી.

પઠાનકોટ કોર્ટમાં આઠ આરોપીઓમાંથી સાત સામે હત્યા અને દુષ્કર્મનો આરોપ છે. જયારે આ કેસમાં સગીર આરોપી સામે કેસ શરૂ નથી થયો. હાલ તેની ઉંમરની અરજી પર જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટ નિર્ણય સંભળાવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સાતેય આરોપીઓને દોષિત જાહેર થશે તો તેમને ઓછામાં ઓછી ઉંમર કેદ અને વધુમાં વધુ ફાંસીની સજા આપવામાં આવી શકે છે.

(4:02 pm IST)