મુખ્ય સમાચાર
News of Monday, 10th May 2021

કુંભ મેળો અને ચૂંટણી રેલી દરમિયાન કોવિદ -19 નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરાયું : સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી પિટિશનની આજ સોમવારે સુનાવણી

ન્યુદિલ્હી : ગયા મહિને હરદ્વારમાં યોજાયેલા કુંભમેળામાં તથા દેશના પાંચ રાજ્યોમાં યોજાયેલી ધારાસભાની ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો આયોજિત રેલીઓમાં કોવિદ -19 નિયમોના ખુલ્લેઆમ ઉલ્લંઘન બદલ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી પિટિશનની આજ  સોમવારે સુનાવણી હાથ ધરાશે.

તાજેતરના મહિનાઓમાં કુંભ મેળા અને રાજકીય રેલીઓમાં કોવિડ -19 પ્રોટોકોલ તોડનારા લોકો સામે તાકીદે પગલા લેવાની અરજીની સુપ્રીમ કોર્ટ આજ સોમવારે  સુનાવણી કરશે. ખરેખર, કોરોનાની લહેર હોવા છતાં, હરિદ્વારના કુંભ મેળામાં લાખોની ભીડ એકઠી થઈ ગઈ હતી. આ સિવાય, બંગાળ અને આસામમાં તાજેતરની ચૂંટણીઓમાં, આયોજિત રેલીઓમાં  મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થઈ હતી.

જેના અનુસંધાને એડ્વોકેટ પાઠક દ્વારા દાખલ કરેલી અરજીમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોવિડ -19 માર્ગદર્શિકા તોડનારાઓને ઓળખવાની અને કાયદા મુજબ તેમની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.જેની સુનાવણી ન્યાયાધીશ ડો.ધનંજય વાય.ચંદ્રચુડ, જસ્ટીસ નાગેશ્વર રાવ અને રવિન્દ્ર ભટની ખંડપીઠ આજ સોમવારે આ અરજીની સુનાવણી કરશે. જસ્ટિસ ચંદ્રચુડ બેંચના અધ્યક્ષ સ્થાને રહેશે.

ઉલ્લેખનીય છે કે 27 એપ્રિલે, ભારતીય મેડિકલ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ ડો. નવજોત દહિયાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ચૂંટણી પ્રચાર માટેના રાજકીય મેળાવટને સંબોધિત કરતી વખતે કોરોનાના "સુપર સ્પ્રેડર" ગણાવ્યા હતા. તેમણે કોવિડ -19 ની અભૂતપૂર્વ બીજી તરંગ માટે પીએમ મોદીને પણ દોષી ઠેરવ્યા હતા . દરમિયાન, કેન્દ્રનું કહેવું છે કે તેઓ હોસ્પિટલમાં ક્ષમતા, ઓક્સિજન અને દવાઓની સપ્લાય માટે "યુદ્ધના ધોરણે" કામ કરી રહ્યા છે.તેવું એચ.ટી. દ્વારા જાણવા મળે છે.

(12:42 pm IST)