મુખ્ય સમાચાર
News of Monday, 10th May 2021

કોરોના કાળમાં કફનની પણ ચોરી! નવું લેબલ લગાવી વેચી દેતા હતા : ૭ પકડાયા

જેઓ સ્મસાન ઘાટમાંથી કફન ચોરી લેતા હતા અને પછી તેના પર જાણીતી બ્રાન્ડનું સ્ટીકર લગાવી ફરીથી બજારમાં વેચી દેતા હતા

બાગપત,તા. ૧૦:  કોરોના કાળમાં એક તરફ લોકો જીવવા માટે ઝઝૂમી રહ્યા છે, ત્યારે બીજી તરફ કેટલાક લોકો એવા છે કે આવા સમયમાં પણ લોકોની સેવા કરવાને બદલે કાળા કામો કરી પોતોના ખિસ્સા ભરી રહ્યા છે. અત્યાર સુધી તો રેમડેસિવિયર ઈન્જેકશન, ઓકિસજનના બાટલા અને કોરોના માટે જરૂરી દવાઓ અને વસ્તુઓના કાળા બજાર અને ચોરી થતી હતી. પણ, હવે ઉત્ત્।ર પ્રદેશમાં તો એક એવી ચોરીનો કિસ્સો આવ્યો છે જેના વિશે જાણીને તમારો 'માનવતા' શબ્દ પરથી જ વિશ્વાસ ઉઠી જશે. અહીં સ્મશાન ઘાટ પરથી કફનની ચોરી કરતી ગેંગ પકડાઈ છે. આ લોકો કફન ચોરી તેના પર બ્રાન્ડેડ કંપનીના લેબલ લગાવી તેને ફરીથી બજારમાં વેચી દેતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં કપડા પણ જપ્ત કર્યા છે.

ઉત્ત્।ર પ્રદેશના બાગપતની પોલીસે સ્મશાન ઘાટ પરથી કફનની ચોરી કરતી ગેંગના ૭ લોકોની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, જિલ્લામાં રવિવારે લોકડાઉન દરમિયાન ચેકિંગ ચાલી રહ્યું હતું, ત્યારે એક ગાડી બ્રાન્ડેડ કપડાંથી ભરેલી મળી આવી હતી. પોલીસને શંકા જતા કપડાંનું બિલ માગ્યું. ગાડીમાં બેઠેલા શખસો બિલ ન બતાવી શકયા.પોલીસે કડકાઈથી પૂછપરછ કરી તો કફન ચોરીનો સમગ્ર મામલો સામે આવ્યો. પોલીસને જાણવા મળ્યું કે, એ લોકો સ્મશાન ઘાટ પરથી મડદાંઓ પર ઓઢાડેલા કફન ચોરી તેને ધોઈ નાખતા હતા અને પછી તેના પર જાણીતી બ્રાન્ડના ટેગ લગાવી વેચી દેતા હતા. પોલીસે આ મામલે એક પછી એક ૭ લોકોની ધરપકડ કરી અને તેમની પાસેથી ૫૨૦ કફન, ૧૨૭ કૂર્તા, ૧૪૦ શર્ટ, ૩૪ ધોતિયાં, ૧૨ ગરમ શાલ, ૫૨ સાડી, ત્રણ રિબિનના પેકેટ, ૧૫૮ ગ્વાલિયરના સ્ટિકર જપ્ત કર્યા છે.પોલીસને પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, મડદાંઓ પરથી કફન ચોરી વેચવાનો ધંધો આ લોકો છેલ્લા લગભગ બે વર્ષથી કરી રહ્યા હતા. આ લોકોએ ગત વર્ષે પણ કોરોના કાળ દરમિયાન કફન ચોરીનો ધંધો ચાલુ રાખ્યો હતો. પોલીસે બધા શખસો- શ્રીપાલ પ્રવીણકુમાર જૈન, પ્રવીણ આશીષ જૈન, રામમોહન શ્રવણકુમાર શર્મા, અરવિંદ ઋષભ જૈન, ઈશ્વર, વેદપ્રકાશ, મોબીન શાહરૂખ ખાનને પકડી જેલ હવાલે કરી દીધા છે. પકડાયેલા બધા આરોપીઓ બાગપત જિલ્લાના બડૌતના રહેવાસી છે.

(11:46 am IST)