મુખ્ય સમાચાર
News of Monday, 10th May 2021

મેરઠ : મેડિકલ કોલેજની લાપરવાહી : વ્યકિતનાં મોત બાદ પરિવારને ખોટી માહિતિ આપતા રહ્યાં

૨૧મીએ દાખલ થયેલ વ્યકિતનું મોત થયું'તું : પરિવાર ફોન કરતા તો તેઓ ઠીકઠાક છે તેવું જણાવાતું : જો કે હોસ્પિટલે લાવારિસ ગણી અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા હતા

મેરઠ,તા. ૧૦:  પશ્ચિમી ઉત્ત્।રપ્રદેશના મેરઠમાં આવેલી મેડિકલ કોલેજના સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓની મોટી લાપરવાહી સામે આવી છે. અહીં ગાઝિયાબાદ નિવાસી એક વૃદ્ઘ ના મૃત્યુ પછી ડોકટર મૃતકની દીકરીને ફોન પર સતત તેના પિતાના સ્વાસ્થ્યના અપડેટ આપતા હતા. પરંતુ વાસ્તવમાં પોલીસ લાવારિસ સમજીને તેના પિતાનો અંતિમ સંસ્કાર કયારની કરી ચૂકી હતી.

પ્રાપ્ત જાણકારી અનુસાર, મૂળ બરેલીના વતની સંતોષ કુમાર ગાઝિયાબાદના રાજનગર એકસટેન્શનમાં પોતાની દીકરી શિખા શિવાંગી અને જમાઈ અંકિત સાથે રહેતા હતા. શિખાના જણાવ્યા અનુસાર, ૨૧ એપ્રિલના રોજ તેમના પિતા સંતોષને બાથરુમમાં પડી જવાને કારણે માથામાં ઈજા થઈ હતી. આ દરમિયાન ગાઝિયાબાદની હોસ્પિટલમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારપછી મેરઠની લાલા લાજપત રાય મેડિકલ કોલેજના આઈસીયૂમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા.

શિખાના જણાવ્યા અનુસાર તેમની પોતાની તબિયત સારી નહોતી. માટે તે ગાઝિયાબાદથી સતત મેરઠના ડોકટરોને ફોન કરીને પિતાના ખબર અંતર પૂછતી હતી. ડોકટર તેમને રોજ પિતાના ઓકિસજન લેવલ અને સ્વાસ્થ્ય વિષે જાણકારી આપતા હતા. ૩જી મેના રોજ ડોકટરોએ તેમને ફોન કરીને જણાવ્યું કે તેમના પિતા બેડ પર નથી.આ સમાચાર સાંભળીને તેઓ પતિ સાથે મેરઠ મેડિકલ કોલેજ પહોંચ્યા. મેડિકલ કોલેજના સ્ટાફની સાથે તેઓ કોવિડ વોર્ડ સહિતના તમામ વિભાગોમાં ફર્યા. પરંતુ પિતા હોસ્પિટલમાં નહોતા.

બે દિવસ પિતાની શોધ કર્યા પછી શિખાએ સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નામે એક વીડિયો શેર કર્યો અને પિતાને શોધવાની અપીલ કરી. વાત સીએમ હાઉસ સુધી પહોંચવાને કારણે મેડિકલ કોલેજે એક કમિટીની રચના કરી. ત્યારપછી આખા પ્રકરણનો ચોંકાવનારો ખુલાસો થયો અને સ્વાસ્થ્ય વિભાગની લાપરવાહીની પોલ ખુલી ગઈ. શિખાના પિતા સંતોષ કુમારનું નિધન ૨૩ એપ્રિલના રોજ થઈ ગયુ હતું. ત્રણ દિવસ સુધી તેમનો મૃતદેહ મેડિકલની મોર્ચરીમાં રાખવામાં આવ્યો. ત્યારપછી મેડિકલ પોલીસે તેને લાવારિસ ગણીને અંતિમ સંસ્કાર કરી નાખ્યા.

મેડિકલ કોલેજ તરફથી દલીલ કરવામાં આવી કે દર્દીના સ્વજનોએ એન્ટ્રી સમયે મોબાઈલ નંબર રજિસ્ટર નહોતો કરાવ્યો. માટે તેમના મૃત્યુની જાણકારી આપવામાં નહોતી આવી. મેડિકલ કોલેજના કોવિડ વોર્ડમાં સંતોષ નામની અન્ય એક મહિલા પણ હતી. માટે જયારે પણ શિખા પોતાના પિતાના ખબર અંતર પૂછવા ફોન કરતા હતા તો સ્ટાફ તેમને મહિલા સંતોષની દીકરી સમજીને તેમની જાણકારી આપતા હતા.

(9:49 am IST)