મુખ્ય સમાચાર
News of Monday, 10th May 2021

જમ્મુ-કાશ્મીરમાં ૧૭ મે સુધી કર્ફયુ

જમ્મુ-કાશ્મીરમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં ૪૧૦ લોકોના મૃત્યુ થયાં છે

જમ્મુ,તા. ૧૦:  જમ્મુ અને કાશ્મીરમાં કોરોના સંક્રમણના વધી રહેલા કેસોને કારણે કોરોના કરફ્યૂ ૧૭ મે સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નવા આદેશ અનુસાર અહીં થનારા લગ્નોમાં સામેલ થનારા લોકોની સંખ્યા પણ ઘટાડી નાખવામાં આવી છે. નવા આદેશ અનુસાર લગ્ન સમારંભમાં હવે માત્ર પચીસ લોકોને જ સામેલ કરવાની છૂટ આપવામાં આવી છે.

આ મહિને જમ્મુ-કાશ્મીરમાં ંકોરોનાને કારણે અત્યાર સુધીમાં ૪૧૦ લોકોનાં મૃત્યુ થયાં છે. અત્યાર સુધીમાં અહીં કોરોનાથી કુલ ૨,૭૦૬ લોકોનાં મૃત્યુ થયાં છે. કોરોનાની બીજી લહેરમાં જમ્મુમાં વધારે લોકોના મૃત્યુ થયાં છે. છેલ્લા એક પખવાડિયાથી જમ્મુમાં કોરોનાના કેસમાં લગાતાર વૃદ્ઘિ થઇ રહી છે અને મોતના આંકડા વધી રહ્યા છે, જેને કારણે જમ્મુના અનેક સંગઠનો લોકડાઉન લંબાવવાનું દબાણ કરી રહ્યા છે.

કોરોના કરફ્યૂ લંબાવવાનો સરકારી આદેશ આવે તે પહેલા જ જમ્મુ વિભાગના બધા સોની અને જવેલર્સોએ સોમવારથી એક અઠવાડિયા માટે પોતાની દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. સરાફા એસોસિયેશન- જમ્મુ પ્રાંતે નિર્ણય કર્યો હતો કે ૧૦ મેથી ૧૬ મે સુધી એસોસિયેશનના બધા સભ્ય સેલ્ફ લોકડાઉનનું પાલન કરશે, કારણ કે હાલના સમયમાં કોરોનાની ચેન તોડવા માટે લોકડાઉન જ એક માત્ર રસ્તો નજરે પડી રહ્યો છે.

(9:49 am IST)