મુખ્ય સમાચાર
News of Monday, 10th May 2021

દિલ્હીની ખાનગી હોસ્પિટલનો ૮૦ થી વધુ મેડિકલ સ્ટાફને કોરોના : એક તબીબનું મોત

સરોજ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના તબીબે કોરોનાની રસી લીધી હોવા છતાં અવસાન થયું

નવી દિલ્હી,તા.૧૦: દિલ્હીની સરોજ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં લગભગ ૮૦ આરોગ્યકર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળટા મચી ગયો છે. એક ડોકટર એકે રાવતનું શનિવારે કોરોનાને લીધે નિધન પણ થયું હતું. ૫૮ વર્ષના તબીબે કોરોનાની વેકિસનનો ડોઝ પણ લીધો હતો. હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર ડો. પીકે ભારદ્વાજે જણાવ્યું કે એપ્રિલથી મે મહિનાના ગાળામાં ૮૦ મેડિકલ સ્ટાફ કોરોના સંક્રમિત થયો છે.

આ ઉપરાંત કોવિડ-૧૯ને લીધે ડો. એ કે રાવતનું શનિવારે અવસાન થયું હતું. ડો. ભારદ્વાજે જણાવ્યા મુજબ ડો. એ કે રાવતે કોરોના સામે હિંમતભેર લડત લડી હતી અને તેઓ બહાદુર હતા. છેલ્લા તેમની સાથે થયેલી વાતને યાદ કરતા ડો. ભારદ્વાજે જણાવ્યું કે ડો. રાવત નિશ્ચિત હતા અને તેમણે જણઆવ્યું હતું કે, હું સ્વસ્થ થઈ જઈશ કારણ કે મે કોરોનાની રસી લીધી છે. 

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી સામે સમગ્ર દેશમાં કપરી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે દિલ્હીની હોસ્પિટલોમાં બેડની અછત પણ જણાય છે. દિલ્હીની ખાનગી હોસ્પિટલ્સે ઓકિસજનના પુરવઠાની અછત તેમજ અન્ય મુશ્કેલોઈના મુદ્દે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.

હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસરના જણાવ્યા મુજબ અગાઉ કરતા સ્થિતિમાં આંશિક સુધારો થયો છે પરંતુ હવે હોસ્પિટલોને ઓકિસજનનો વધુ પુરવઠો કયારે મળશે તે નવી ચિંતા સર્જાઈ છે. સુપ્રીમ કોર્ટે શનિવારે દેશની હોસ્પિટલોને ઓકિસજન અને દવાઓ સહિતની સગવડ પુરી પાડવા ૧૨ સભ્યોની નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરી હતી.

(9:48 am IST)