મુખ્ય સમાચાર
News of Monday, 10th May 2021

સાજા થયેલા લોકોએ બ્લેક ફંગસથી કેવી રીતે બચી શકાય?

કોવિડ - ૧૯થી સાજા થયેલા લોકોમાં એક અલગ પ્રકારનું જીવલેણ સંક્રમણ જોવા મળી રહ્યું છે : આને બ્લેક ફંગસ અથવા મ્યુકરમાયકોસિસ કહેવામાં આવે છે : આનાથી લોકોએ જીવ પણ ગુમાવ્યો છે

નવી દિલ્હી,તા.૧૦:  દેશમાં જયાં કોરોનાવાયરસ સેકન્ડ વેવની જીવલેણ સાબિત થઈ રહી છે. ત્યારે, કોવિડ - ૧૯થી સાજા થયેલા લોકોમાં એક અલગ પ્રકારનું જીવલેણ સંક્રમણ જોવા મળી રહ્યું છે. આને બ્લેક ફંગસ અથવા મ્યુકરમાયકોસિસ કહેવામાં આવે છે. દેશમાં અત્યાર સુધીમાં આ બ્લેક ફંગસના અનેક મામલા સામે આવ્યા છે. જેના કારણે લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. આવી સ્થિતિમાં આ જીવલેણ સંક્રમણને લઈ સરકાર દ્વારા એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં સમજાવવામાં આવ્યું છે કે, મ્યુકરમાયકોસિસની સ્ક્રીનીંગ, તેની તપાસ અને પછી સારવાર કેવી રીતે કરી શકાય. બ્લેક ફંગસ સામાન્ય રીતે ફકત તે લોકોને શિકાર કરે છે, જેમની રોગ પ્રતિકાર શકિત દવાઓને કારણે ઓછી થઈ ગઈ હોય છે. જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો, તે લોકોના જીવ પર આવી બને છે. (૨૨.૮)

શું ન કરવું

* કોઈપણ લક્ષણોને હળવાશથી ન લો

* કોવિડ સાથેની સારવાર પછી નાક બંધ થવાને બેકટેરિયલ સાઇનસિટિસ ન માનવી જોઈએ

* જો કોઈ લક્ષણો જોવા મળે છે, તો જરૂરી ટેસ્ટ કરાવો

* મ્યુકરમાયકોસિસની જાતે સારવાર કરવામાં સમય બગાડો નહીં

મ્યુકરમાયકોસિસ અથવા બ્લેક ફંગસના લક્ષણો

મ્યુકરમાયકોસિસ તેના લક્ષણો દ્વારા ઓળખી શકાય છે. જે આ પ્રકારના હોય છે

* નાક બંધ થઈ જવું

* નાક અને આંખની આસપાસ દર્દ થવું અને આંખમાં લાલાશ થવી

* તાવ, માથાનો દુખાવો અને ઉધરસ

* શ્વાસની તકલીફ અને લોહીની ઉલટી

* માનસિક રીતે અસ્વસ્થ રહેવું, કન્ફ્યૂઝનની સ્થિતિ

કેવી રીતે થઈ શકે છે બ્લેક ફંગસનું સંક્રમણ?

* અનિયંત્રિત સુગરવાળા લોકો (ડાયાબિટીશથી પીડિત)

* સ્ટેરોઇડ્સના વધારે ઉપયોગથી રોગપ્રતિકારક શકિતમાં દ્યટાડો થવાથી

* લાંબા સમય સુધી આઈસીયુમાં રહેવાથી

* ગંભીર બીમારીથી પીડિત વ્યકિતને

* વોરીકોનાઝોલ થેરાપી

* કોવિડ બચેલાઓએ તકેદારી રાખવી પડશે

* હાઈપરગ્લાઈસિમિયા પર નિયંત્રિત કરવું મહત્વપૂર્ણ છે

* કોરોનાથી બચ્યા પછી, ડાયાબિટીસના દર્દીઓ લોહીમાં ગ્લુકોઝનું સ્તર તપાસતા રહેવું

* સ્ટીરોઇડ્સ લેતા સમયે, યોગ્ય સમય, યોગ્ય ડોઝ અને અવધિને ધ્યાનમાં રાખો

* ઓકિસજન થેરાપી દરમિયાન શુધ્ધ પાણીનો ઉપયોગ કરો.

* એન્ટીબાયોટિકસ અને એન્ટિફંગલના ઉપયોગ દરમિયાન સાવધાની રાખવી

સાવચેતી શું છે?

* ધૂળવાળી જગ્યાઓ પર માસ્ક અને ગોગલ્સ પહેરો.

* ગાર્ડેનિંગ (બગીચાનું કામ) અથવા માટીમાં કામ કરતી વખતે પગરખાં પહેરો, તમારા પગ અને હાથમાં મોજા પણ પહેરો

* દરરોજ સ્નાન કરો અને સ્વચ્છતાની કાળજી લો.

(9:47 am IST)