મુખ્ય સમાચાર
News of Monday, 10th May 2021

ખેડૂત આંદોલનમાં સામેલ યુવતી પર બળાત્કાર: ચાર ખેડૂત આગેવાનો સહિત 6 વિરુદ્ધ FIR :યુવતીનું કોરોનાથી મૃત્યુ

હરિયાણા પોલીસે ટિકરી બોર્ડર પર ખેડૂત આંદોલનમાં ભાગ લેનાર પશ્ચિમ બંગાળની એક યુવતી સાથે બળાત્કારનો કેસ નોંધ્યો: પીડિતાના પિતાની ફરિયાદના આધારે FIR

નવી દિલ્હી : હરિયાણા પોલીસે ટિકરી બોર્ડર પર ખેડૂત આંદોલનમાં ભાગ લેનાર પશ્ચિમ બંગાળની એક યુવતી સાથે બળાત્કારનો કેસ નોંધ્યો છે. તાજેતરમાં જ આ યુવતીનું કોરોનાને કારણે મૃત્યુ થયું હતું. યુવતીના પિતાએ આરોપ લગાવ્યો છે કે ચાર લોકોએ તેમની પુત્રી પર બળાત્કાર ગુજાર્યો છે. યુવતીના પિતાની ફરિયાદના આધારે પોલીસે FIR દાખલ કરી છે.

પોલીસ દ્વારા IPC ની કલમ 365, 342, 354, 376 અને 120 બી હેઠળ આરોપીઓ વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગેંગરેપ તેમજ અપહરણ, બ્લેક મેઇલિંગ, બંધક બનાવવાની અને ધમકી આપવાની કલમો હેઠળ ગુનો પણ દાખલ કર્યો છે. પોલીસે આંદોલન સાથે સંકળાયેલા ચાર ખેડૂત નેતાઓ અને બે મહિલા સ્વયંસેવકો પર પણ આરોપ મૂક્યો છે. જો કે ખેડૂત આંદોલનમાં યુવતી પર થયેલા બળાત્કાર અંગે આંદોલનકારી ખેડૂતો પોતાનો બચાવ કરી રહ્યા છે.

આ પીડિતા યુવતી સાથે કઈક અઘટિત ઘટના ઘટી હોવાના કારણે ઘણા દિવસોથી મામલો ગરમાયો હતો. 30 એપ્રિલના રોજ યુવતીનું કોરોના સંક્રમણને કારણે મૃત્યુ થયું હતું.મૃત્યુના આશરે ચાર દિવસ પહેલા યુવતીને શિવમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.હવે યુવતીના પિતાની ફરિયાદને આધારે ટીકરી બોર્ડર પર ખેડૂત આંદોલન માટે સોશિયલ આર્મી ચલાવનારા અનૂપ અને અનિલ મલિક સહિત કુલ આરોપીઓ વિરૂદ્ધ ખેડૂત આંદોલનમાં યુવતી પર બળાત્કાર ના આરોપસર FIR નોંધવામાં આવી છે.

ખેડૂત આંદોલનમાં યુવતી પર બળાત્કારના આરોપી સાથે 11 એપ્રિલે યુવતી પશ્ચિમ બંગાળથી દિલ્હી આવી હતી. દિલ્હીથી તે આરોપીઓની સાથે ટીકરી બોર્ડર પર પહોંચી હતી. યુવતી પર બળાત્કાર ગુજારવાના આરોપીઓ ટીકરી બોર્ડર પર ખેડૂત આંદોલનમાં ખૂબ સક્રિય હતા. અનિલ મલિક, અનુપ સિંહ, અંકુશ સાંગવાન, જગદીશ બ્રાર, કવિતા આર્ય અને યોગિતા સુહાગ સામે કેસ નોંધવામાં આવ્યા છે.

છેલ્લા ઘણા દિવસોથી અનેક સંગઠનોના નેતાઓ દ્વારા આ મામલો જોરશોરથી ઉઠાવવામાં આવી રહ્યો હતો. શનિવારે ટીકરી બોર્ડર પર સંયુક્ત મોરચાની બેઠક મળી હતી. ખેડૂત આંદોલનમાં યુવતી પર બળાત્કારના આ કેસની તપાસ માટે ત્રણ ઇન્સ્પેક્ટર અને સાયબર સેલનો સમાવેશ કરીને ડીએસપી દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે. સિટી પોલીસ સ્ટેશનના પ્રભારીના જણાવ્યા મુજબ ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે.

(9:17 am IST)