મુખ્ય સમાચાર
News of Monday, 10th May 2021

દિલ્હીમાં લોકડાઉન વધુ એક સપ્તાહ લંબાવાયું, મેટ્રો બંધ

છેલ્લા ત્રણ સપ્તાહથી દિલ્હીમાં લોકડાઉન છે : આ વખતનું લોકડાઉન પહેલા કરતા પણ કડક હશે, જે આગામી સોમવાર સવારે ૫ વાગ્યા સુધી લાગુ રહેશે

નવી દિલ્હી,તા.૯ : કોરોના વાયરસને પહોંચી વળવા માટે દિલ્હીમાં છેલ્લા ૩ અઠવાડિયાથી લોકડાઉન લાગેલું છે. આજે એક અઠવાડિયું વધુ તે લંબાવવામાં આવ્યું છે. આ સાથે જ શહેરમાં હવે મેટ્રો સેવા પણ સસ્પેન્ડ કરાઈ છે. સીએમ અરવિંદ કેજરીવાલે આજે આ જાહેરાત કરી.  સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં ચાલી રહેલા લોકડાઉનને આગળ વધારવાની જરૂર છે. જો સરકારે આ પગલું ન ભર્યું તો કોરોના વાયરસ પર જે બઢત મળી હતી તે ખતમ થઈ જશે. તેમણે કહ્યું કે કોરોના વાયરસને ચેઈન તોડવા માટે દિલ્હીમાં લાગૂ લોકડાઉનને એક સપ્તાહ વધુ આગળ લંબાવવામાં આવે છે. આ વખતનું લોકડાઉન પહેલા કરતા પણ કડક હશે. આ દરમિયાન દિલ્હીમાં મેટ્રો સેવાઓ પણ બંધ રહેશે. આ લોકડાઉન આગામી સોમવાર સવારે ૫ વાગ્યા સુધી લાગુ રહેશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે દિલ્હીમાં લોકડાઉન લગાવવાથી પોઝિટિવિટી રેટ ૩૫ ટકાથી ઓછો થઈને ૨૩ ટકા થઈ ગયો છે. સરકારે આ સમયનો ઉપયોગ દિલ્હીમાં સ્વાસ્થ્ય સુવિધાઓ અને વ્યવસ્થાઓને મજબૂત કરવા માટે કર્યો છે.

            તેમણે કહ્યું કે લોકડાઉનના કારણે થોડા સમયથી દિલ્હીમાં કોરોનાની સ્થિતિમાં સુધારો આવ્યો છે. દિલ્હી સરકારે પોતાની તરફથી સિસ્ટમને સુધારવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે. સીએમ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં કોરોના રસીકરણની સ્પીડ વધારવા માટે સરકારી સ્કૂલોમાં શાનદાર વ્યવસ્થા કરાઈ છે. સરકારનો સાથ આપતા યુવાઓ પણ આ અભિયાનમાં જોશભેર સાથ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે રસીકરણની સ્પીડ વધારવા માટે કેન્દ્ર સરકાર પાસે સહયોગ માંગ્યો છે. આશા છે કે કેન્દ્ર સરકાર આ કામમાં દિલ્હી સરકારનો પૂરેપૂરો સાથ આપશે. અત્રે જણાવવાનું કે દિલ્હી સરકારે કોરોનાને પહોંચી વળવા માટે અગાઉ ૧૯ થી ૨૫ એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કર્યું હતું. ત્યારબાદ વધારીને ૧ મે પછી ૧૦ મે કરાયું હતું. તે પહેલા ઓનલાઈન પ્લેટફોર્મ  લોકલ સર્કલ્સે એક સર્વે કર્યો હતો, જેમાં દિલ્હીના ૮૫ ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ શહેરમાં લાગેલા લોકડાઉનને ઓછામાં ઓછું એક અઠવાડિયું આગળ વધારવાના પક્ષમાં છે. આ બાજુ લગભગ ૭૦ ટકા લોકોએ દિલ્હીમાં લાગેલા લોકડાઉનને ૨ અઠવાડિયા આગળ વધારવાના પક્ષમાં મત આપ્યો હતો. ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી (સીટીઆઈ) ના ચેરમેન બ્રજેશ ગોયલે પણ કહ્યું હતું કે હાલાતને જોતા દિલ્હીના ૬૫ ટકા વેપારીઓ પણ શહેરમાં લોકડાઉન આગળ વધારવાના પક્ષમાં છે.

(12:00 am IST)