મુખ્ય સમાચાર
News of Friday, 10th May 2019

અપરાધિક તિરસ્કાર કાર્યવાહી બંધ કરવાની રાહુલગાંધીની અપીલ

બિનશરતી માફી માગ્યા બાદ રાહુલગાંધીની રજુઆત : સુપ્રિમ કોર્ટમાં તિરસ્કાર કાર્યવાહી માટે દાખલ કરાયેલી અરજી પર બંને પક્ષની દલીલ સાંભળવામાં આવી : રિપોર્ટ

નવી દિલ્હી, તા. ૧૦ : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ શુક્રવારના દિવસે આ સુપ્રિમ કોર્ટમાં કહ્યું હતું કે તેઓએ ચોકીદાર ચોર હે ટિપ્પણી ખોટી રીતે સુપ્રિમ કોર્ટના હવાલાથી કહેવાના મામલામાં બિનશરતી માફી માંગી લીધી છે. જેથી તેમની સામે અરાધિક તિરસ્કાર માટેની કાર્યવાહી બંધ કરી દેવી જોઈએ. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ, જસ્ટીસ સંજય કિશન કોલ, જસ્ટીસ કેએમ જોસેફની બેચે આજે ભાજપના સાંસદ મિનાક્ષી લેખી દ્વારા રાહુલ ગાંધીની સામે અપરાધિક તિરસ્કારની કાર્યવાહી માટે દાખલ કરવામાં આવેલી અરજી પર બંને પક્ષોની દલીલોને સાંભળી હતી. ત્યારબાદ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો  હતો. બેચે કહ્યું હતું કે આના પર ચુકાદો મોડેથી આવ્યો છે. રાહુલ ગાંધી તરફથી બેચ સમક્ષ ઉપસ્થિત થયેલા વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષે સુપ્રિમ કોર્ટના હવાલાથી ખોટી વાત કહેવાના મામલામાં બિનશરતી માફી માંગી લીધી છે. આના માટે ખેદ વ્યક્ત કરવામાં આવ્યો છે. બીજી બાજુ સુપ્રિમ કોર્ટમાં ભાજપના સાંસદ મિનાક્ષી લેખી તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતાગીએ સુપ્રિમ કોર્ટમાં કહ્યું હતું કે રાહુલ ગાંધીની માફી અસ્વિકાર કરી દેવી જોઈએ અને તેમની સામે  કાયદાકીય રીતે કાર્યવાહી થવી જોઈએ. રોહતાગીએ એમ પણ કહ્યું હતું કે કોર્ટને રાહુલ ગાંધીને પોતાની ટિપ્પણી માટે જનતા સમક્ષ માફી માંગવી જોઈએ. રાહુલ ગાંધી ચોકીદાર ચોર હેના નિવેદનને લઈને ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સુપ્રિમ કોર્ટ તરફથી તેમને વારંવાર ઠપકા સાંભળવા પડી રહ્યા છે. રાહુલ ગાંધી તરફથી આજે અપરાધિક તિરસ્કારની કાર્યવાહીને બંધ કરવા માટે રજુઆત કરી હોવા છતાં આ સંદર્ભમાં કોઈ નિર્ણય લેવાયો નથી. આ મામલામાં સુપ્રિમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. આગામી દિવસોમાં પણ રાહુલને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

(7:41 pm IST)