મુખ્ય સમાચાર
News of Friday, 10th May 2019

આ છે આજનું કાશ્મીર

તલાશી, અચાનક હુમલા, જનાજામાં આતંકવાદીઓની બંદુક સાથેની હાજરી

જમ્મુ તા. ૧૦: પુલવામાં ઘરેથી પરીક્ષા આપવા નીકળેલા પાંચ કાશ્મીરી યુવક સમયસર પરીક્ષા ખંડમાં ન પહોંચી શકયા અને તેમણે પોતાનું કિંમતી એક વર્ષ બગાડવું પડશે જેનું કારણ છે સેના દ્વારા ચલાવવામાં આવેલ તલાશી અભિયાન. અચાનક ચલાવાયેલ અભિયાનના કારણે તેમનો કિંમતી સમય વેડફાઇ ગયો હતો.

અનંત નાગની રજીયા હોસ્પીટલની પથારીમાં દર્દથી કણસી રહી છે. આતંકવાદીઓએ સૈન્યના કાફલા પર અચાનક હુમલો કર્યો ત્યારે તેના પેટમાં ગોળી વાગી હતી. તેનું ઘર રોડ પર જ આવેલું છે અને તેના ઘરની સામેજ આતંકવાદીઓએ ધોળા દિવસે સૈન્ય પર હુમલો કર્યો હતો.

દક્ષિણ કાશ્મીરના કેટલાય ગામોના લોકો છેલ્લા એક અઠવાડીયાથી પોતાની રોજીંદી ક્રિયાઓ પણ ભૂલી ગયા છે. સોશ્યલ મીડીયા પર ચાલી રહેલા વીડીયોમાં છવાયેલા ૩૦ આતંકવાદીઓની તલાશી માટે ચાલી રહેલ કેક ડાઉન હજી બંધ નથી થયું. આતંકવાદીઓની તલાશી માટે રોજ આમ કાશ્મીરીની હેરાનગતી ચાલુ જ રહે છે.

આ છે વર્તમાન કાશ્મીરની તાજા તસ્વીર. આ ઘટનાઓને બીજી રીતે વ્યકત કરીએ તો આતંકવાદની શરૂઆત થઇ ત્યારે એટલે કે ૧૯૯૦ના દાયકામાં આવી જ પરિસ્થિતિ હતી. આતંકવાદીઓને ત્યારે જબરદસ્ત લોક સમર્થન હતું છેલ્લા રપ વર્ષોથી આતંકવાદ વિરોધી અભિયાન સાથે જોડાયેલા એક પોલીસ અધિકારીએ નામ ન છાપવાની શર્તે કહ્યું કે, ભાજપા-પીડીપીની સરકાર પહેલા આવી પરિસ્થિતી નહોતી. હવે તો એવું લાગે છે કે જાણે રાજય સરકાર પણ આમાં પોતાનો પુરો સહયોગ આપી રહી છે.

સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો કાશ્મીરમાં સ્થિતી હાથ બહાર જઇ ચુકી છે. ખતરો આંતરિક યુદ્ધનો છે. સામાન્ય કાશ્મીરી બે બાજુથી પીસાઇ રહ્યો છે જયાં એક બાજુ કુવો છે તો બીજી તરફ ખાઇ. કાશ્મીરના આતંકવાદની કમાન સ્થાનિક આતંકવાદીઓના હાથમાં આવી છે એટલે તેને પ્રચંડ લોક સમર્થન મળી રહ્યું છે. કાશ્મીર પોલીસના અધિકારીઓ માને છે કે હાલના આતંકવાદીઓમાં ૩૦૦માંથી અડધાથી વધારે સ્થાનિક છે એટલે તેમને પકડવાનું અઘરૃં થઇ ગયું છે. ૧૯૯૦માં પણ આજ પરિસ્થિતી હતી.

(3:51 pm IST)