મુખ્ય સમાચાર
News of Friday, 10th May 2019

અયોધ્યા કેસ

સુપ્રિમ કોર્ટે મધ્યસ્થી માટે ૧૫ ઓગસ્ટ સુધીનો સમય આપ્યો

આ અગાઉ કમિટિએ મધ્યસ્થીને લઇને પોતાનો રિપોર્ટ રજૂ કરી વધુ સમયની માંગણી કરી હતી : કોર્ટે ૮ માર્ચે પોતાના નિર્ણયમાં આ મામલે મધ્યસ્થીની મંજૂરી આપીને નિમણૂંક કરી હતી

નવી દિલ્હી તા. ૧૦ : સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદનો ઉકેલ લાવવા માટે મધ્યસ્થતા પેનલને ૧૫ ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં રામમંદિર - બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ મામલે આજે સુનાવણી ધરી છે અને તેમાં મધ્યસ્થી માટે ૧૫ ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે. મધ્યસ્થતા પ્રક્રિયાની શરૂઆત બાદ સુપ્રીમ કોર્ટમાં આ પ્રથમ સુનાવણી થઇ છે.

આ સુનાવણીમાં મધ્યસ્થી સમિતિએ વધુ સમયની માંગણી કરી હતી. જેને ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના વડપણ હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે માન્ય રાખી છે.

અગાઉ જસ્ટિસ કલિફુલ્લા કમિટિએ મધ્યસ્થીને લઇને પોતાનો રીપોર્ટ રજુ કરી દીધો હતો અને વધુ સમયની માંગણી કરી હતી. સુપ્રીમે ૮ માર્ચે પોતાના નિર્ણયમાં આ મામલે મધ્યસ્થીની મંજુરી આપી હતી અને મધ્યસ્થીઓની નિમણુક કરી હતી. જેમાં જસ્ટિસ કલિફુલ્લા, વકીલ શ્રીરામ પંચુ અને આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકર સામેલ છે.

બાબરી-મસ્જિદ, રામ જન્મભૂમિ વિવાદનેઙ્ગમધ્યસ્થતાથી ઉકેલવા બાબતે સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી કરી હતી. મધ્યસ્થતા કમિટિ બનાવ્યા બાદ પ્રથમ વખત સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્યોની કમિટિને આ વિવાદને ઉકેલવા માટે ૧૫મી ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ એવું પણ જણાવ્યું હતું કે, 'આખી પ્રક્રિયા ગુપ્ત હોવાથી આ બાબતે અમે અન્ય કોઈ માહિતી જાહેર કરી શકીએ નહીં.'

આ કેસને કોર્ટ બહાર જ ઉકેલવા માટે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા માટે ત્રણ સભ્યોની સમિતિ બનાવી હતી. આ મામલે સિમિતિ બંધ કવરમાં પોતાનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં આપી ચુકી છે.

મધ્યસ્થતા સમિતિમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ એફએમઆઈ કલીફલ્લા, આધ્યાત્મિક ગુરુ અને આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકર તેમજ સિનિયર વકીલ શ્રી રામ પંચૂ સામેલ છે.પાંચ જજોની બંધારણીય ખંડપીઠમાંઙ્ગચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ અબ્દુલ નઝીરની પાંચ જજોનો સમાવેશ થાય છે.

સુપ્રીમ કોર્ટના આઠમી માર્ચના આદેશ બાદ શુક્રવારે પ્રથમ સુનાવણી કરી હતી. આઠમી માર્ચના રોજ કોર્ટે કહ્યુ હતુ કે મધ્યસ્થતા પ્રક્રિયા એક અઠવાડિયામાં શરૂ થવી જોઈએ અને સમિતિએ ચાર અઠવાડિયાની અંદર તેમનો પ્રથમ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. કોર્ટે સમિતિને આ પ્રક્રિયાનું વીડિયો રેકોર્ડિંગ કરીને આઠ અઠવાડિયામાં સંપૂર્ણ અહેવાલ રજૂ કરવાનો આદેશ કર્યો હતો.

શરૂઆતમાં નિર્મોહી અખાડા અને ઉત્ત્।ર પ્રદેશ સરકારને બાદ કરતા હિન્દુ સંસ્થાઓએ કોર્ટના આ સૂચનનો વિરોધ કર્યો હતો. જયારે મુસ્લિમ સંસ્થાઓએ આ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. હિન્દુ સંસ્થાઓનું કહેવું હતું કે સમધાન માટે પહેલા પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા, જે નિષ્ફળ રહ્યા છે.

સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે આ આખી કાર્યવાહી ખૂબ જ ગુપ્ત રાખવામાં આવે. તેમજ સમતિના કોઈ પણ સભ્ય પોતાના વિચારોને કોઈ પણ વ્યકિત કે માધ્યમ સમક્ષ રજૂ નહીં કરી શકે. સુપ્રીમ કોર્ટે આ માટે અયોધ્યાથી સાત કિલોમીટર દૂર ઉત્તર પ્રદેશના ફૈઝાબાદમાં મધ્યસ્થતા માટે જગ્યા નક્કી કરી હતી. સાથે જ સુપ્રીમ કોર્ટે રાજય સરકારને આ માટે તમામ વ્યવસ્થા કરવાનો પણ આદેશ કર્યો હતો.

(3:30 pm IST)