મુખ્ય સમાચાર
News of Friday, 10th May 2019

શબ્દબ્રહ્મથી પૂ. મોરારીબાપુએ ''અકિલા ઇન્ડિયા પબ્લિકેશન્સ''ને આપ્યા અનેરા આશિર્વાદઃ સાહિત્ય-સમાજ- પત્રકારિત્વ-શાસ્ત્ર સહિતની વાતો વણી લીધીઃ હેમુ ગઢવી હોલનું સ્ટેજ જાણે વ્યાસપીઠમાં ફેરવાયું

  રાજકોટ તા. ૯, રાજકોટમાં તા.૭મી મેની સાંજ સાહિત્યપ્રેમીઓ માટે વરદાન સ્વરુપ બની ગઇ હતી. આમ તો આ દિવસ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર અને આપણા સમર્થ સર્જક પન્નાલાલ પટેલનો જન્મદિવસ છે. અને આ દિવસે રાજકોટમાં શબ્દજગતમાં, સાહિત્યક્ષેત્રમાં એક સકારાત્મક ક્રાંતિનો આરંભ થયો. સૌરાષ્ટ્રના અને હવે તો સમગ્ર વિશ્વના લાડીલાં સાંધ્ય અખબાર અકિલાએ આ દિવસે પુસ્તક પ્રકાશનના ક્ષેત્રે પગરણ માંડ્યા. અકિલા ઇન્ડિયા પબ્લિકેશન્સના આ આરંભે લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી  અને વિશ્વ વિખ્યાત જ નહીં પરંતુ વિશ્વભરમાંથી પ્રેમ પામનાર અને સમગ્ર ધર્મ જગતને સત્ય,પ્રેમ અને કરુણાનો મંત્ર આપનાર, લોકશિક્ષક પૂ. મોરારીબાપુએ ઉપસ્થિત રહીને શબ્દાશીષ આપ્યાં હતાં. પૂ. બાપુએ અકિલા ઇન્ડિયા પબ્લિકેશન્સના આરંભે રવીન્દ્રનાથ ટાગોરે અખબારની જે વ્યાખ્યા કરી હતી એને ટાંકીને કહ્યું કે 'અખબારમાં ચાર બાબત સમાયેલી છે. અભય-નિર્ભયતાથી લખે, ખરું લખે, બાળક જેવું નિખાલસ લખે અને રસતત્વ જાળવી રાખે એ અખબાર.' એક અખબારના ઉપક્રમે આ આયોજન હતું એટલે એમણે આ વાત તો કરી પણ પછી હંમેશ મુજબ ચિંતન,મનન અને જ્ઞાન છતાં હળવાશથી આખીય વાતને વણી લઇને અકિલાની આ નવી સફરને આશીર્વાદ પાઠવ્યાં હતાં. નિમિત તો બે કાવ્યસંગ્રહનું વિમોચન હતું પરંતુ બાપુએ હંમેશ મુજબ પોતાની વિશાળતા અને વ્યાપકતાનો અનુભવ શ્રોતાઓને કરાવ્યો હતો. રાત્રે ૧૨ વાગ્યા સુધી એમની ઉપસ્થિતિ અને મંગળ શબ્દો એ એમના પ્રેમનું પ્રમાણ છે. ત્યાં ઉપસ્થિત સૌ કોઇએ એ અનુભવ્યું હતું કે બાપુએ ફકત શબ્દ નહીં, ફકત આશીર્વાદ નહીં પરંતુ અકિલા પરિવાર પર હૃદયપૂર્વક આશીર્વાદ વરસાવ્યાં હતાં.

પૂ. મોરારીબાપૂએ કહ્યું કે ''શબ્દને અન્ય દર્શનોએ જે રીતે જોયો હોય એ રીતે પણ ભારતીય ઋષિ પરંપરાએ શબ્દને બ્રહ્મ તરીકે જોયો છે. અને અકિલા જેવું માતબર દૈનિક જયારે શબ્દ ભણીની સફર શરુ કરી રહ્યું છે એ ખરેખર આનંદ અને ઉત્સવની બાબત છે. કારણ કે એક અખબાર બ્રહ્મનું વ્યાપક સ્વરુપ પણ બતાવી શકે અને ભ્રમ પણ ફેલાવી શકે. આ સ્થિતિમાં અકિલા જયારે પબ્લિકેશન્સના ક્ષેત્રે પ્રવેશ કરી રહ્યું છે ત્યારે એની શબ્દ ભણીની સફર બ્રહ્મ તરફ ગતિ કરે એવી હું પ્રાર્થના કરું છું.'' યુવા કવિ મિલિન્દ ગઢવીના બે પુસ્તક નન્હેં આંસુ અને રાઇજાઇના  વિમોચન બાદ માંગલિક-પ્રાસંગિક ઉદબોધનમાં બાપૂએ કહ્યું કે 'આજે રવીન્દ્રનાથ ટાગોરનો પણ જન્મદિવસ છે. મને  એક વાત યાદ આવે છે . એમની અને એક અંગ્રેજી કવિ વચ્ચે સંવાદ થયો અને એમને પૂછાયું કે અખબાર એટલે શું અને ગુરુદેવે જવાબ આપ્યો કે જે અભય રહીને લખે- અભય આમ તો આપણી ભગવદ ગીતાનો શબ્દ. જે અભય રહીને લખે, જે ખરૂ લખે-સચ્ચાઇને વળગી રહે, જે બાળક જેવું પારદર્શક અને નિખાલસ લખે અને જે રસ-રસ એટલો રજો કે તમોગુણનો નહીં પણ સત્વગુણનો રસ જાળવે એ અખબાર છે.  ''

શાસ્ત્રની,દર્શનની વાતોની વચ્ચે વચ્ચે હળવી રમૂજ પણ બાપુએ કરી. આકાશવાણી રાજકોટની સ્વર પરીક્ષામાં વર્ષો પહેલાં  પોતે નાપાસ થયા હતા- તમે જઇ શકો છો એવું એમને કહ્યું હતું, અને હવે રેકોર્ડીંગ માટે સમય માંગે છે એવી માર્મિક વાત તદ્દન રમૂજી શૈલીમાં કરીને-તમે જઇ શકો છો એ વિધાન પર સૌને હસાવ્યા હતા. તો બહાઉદ્દીન કોલેજના આચાર્યે પણ એડમિશન આપવાની ના કહી હતી અને હવે અલગ અલગ વિભાગના ઉદઘાટનમાં બોલાવે છે એ વાત પણ ફરી એકવાર કહી ત્યારે સભાગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. પણ આ બધી વાતો તો એમની હળવાશ અને વ્યકિતત્વની ઊંચાઇની સાક્ષી છે. પુસ્તક પ્રકાશન સંદર્ભે બાપૂએ કહ્યું કે 'મિલિન્દ ગઢવીના આ બન્ને પુસ્તકો સ્વયં તેમને આશીર્વાદ આપશે કારણ કે એમાં શબ્દબ્રહ્મ સિવાય બીજું કંઇ નથી. સંજુ વાળાએ જેની પ્રસ્તાવના લખી છે અને વસીમ બરેલવી જેવા ઉચ્ચ કક્ષાના ઉર્દુ શાયરે જેના વિશે લખ્યું છે એ કોઇ નાની મહોર નથી પણ મોટો સિક્કો છે. અલબત મિલિન્દને કોઇ મહોરની જરુર નથી. કારણ કે મિલિન્દ ચારણનું છોરું છે.'

આટલું કહી બાપુએ કહ્યું કે 'ભીખુદાનભાઇ માટે મેં કહ્યું હતું એ જ હું મિલિન્દ માટે કહું છું, એટલે નહીં કે બન્ને ચારણ છે. પણ બન્નેમાં આ સામ્ય છે. હું નાનો હતો ત્યારે મારા પિતાજીને વાંચનનો શોખ હતો. પુસ્તક બદલાવવા હું મહુવાની સંઘેડિયા બજારમાં જાઉં ત્યાં અતરની એક દુકાન પણ આવતી. આ દુકાન પાસે ઊભા રહીએ એટલે જાત જાતની સુગંધ આવે. મહેક આવે પણ આપણને એ મહેકની ખબર હોય એની કિંમત તો અત્તર વાળો જાણે. અને અત્તર વાળાને એના મૂલ્યની જ ખબર હોય મહેક ન આવે. ભીખુદાનભાઇની જેમ મિલિન્દ પણ એવો કવિ છે જેને શબ્દની મહેક અને મૂલ્ય બન્નેન ની ખબર છે. એ બન્નેનો જાણતલ છે. અને આમ પણ શબ્દના ઘોડિયાં ગમે તે ડાળે ન બંધાય. શબ્દને તો છોકરાંની જેમ સાચવવો પડે.'

નિમિશભાઇ અને મિલિન્દ બધા મને આ કાર્યક્રમ માટે નિમંત્રણ આપવા આવ્યા ત્યારે એક શેરની ચર્ચા થઇ, એક ઝખ્મ ચાહિયે થા અપને મિજાજ કા, યાની ગહેરા ભી હો ઔર હરા ભી બહોત હો..બ્રહ્મ તરફ દોરી જતો ઝખ્મ જેનો શબ્દ આપે એવો આપણો આ કવિ છે. ફરી એક વાર હળવી શૈલીમાં અગત્યની વાત કરતાં બાપુએ કહ્યું, કે કેટલીક ખુશ્બુ એવી હોય કે એ આપણા નાક પાસે  આવે પણ કેટલીક ખુશ્બુ તો જતી રહે કે આની પાસે નાક જ નથી, કયાં જવું.  મિલિન્દ ગઢવીના કાવ્યસંગ્રહોના વિમોચનના અવસરે બાપુએ અકિલા પરિવારના મોભી કિરિટભાઇ ગણાત્રા, અજિતભાઇ ગણાત્રા, નિમિશભાઇ અને સમગ્ર પરિવારને શુભેચ્છા પાઠવીને પુસ્તક પ્રકાશન માટેનો પોતાનો રાજીપો વ્યકત કર્યો હતો. અને આ આખી સફર મંગલ મય બની રહે એવી શુભેચ્છા પણ પાઠવી હતી. 

 અખબાર સત્ય લખે એ વાતને વિસ્તારતાં બાપુએ કહ્યું કે એકવાર ચાર વિદ્યાર્થીને પૂછવામાં આવ્યું કે ૧૯માં ૭ ઉમેરો તો કેટલા થાય ચારેય એ અલગ અલગ અને ખોટા જવાબ આપ્યા, પણ એમાંથી એક વિદ્યાર્થીની પસંદગી એટલા માટે કરવામાં આવી કે  એનો જવાબ સત્યની સૌથી નજીક હતો. આપણે પૂર્ણ સત્ય તો કયાં આચરી શકવાના, એ તો જિસસ, ગાંધીજી, સુકરાત જેવાનું કામ છે.

 મોરારી બાપુ જયારે મંચ પર હોય ત્યારે સાથે જેટલા લોકો હોય એનું પણ એ સન્માન કરે. અકિલા ઇન્ડિયા પબ્લિકેશન્સના આરંભમાં બાપુએ વિજયભાઇને વિનમ્ર મુખ્યમંત્રી ગણાવ્યા તો ભીખુદાનભાઇ માટેનો આદર તો વ્યકત કર્યો જ. એમણે કહ્યું કે જયાં સુધી હું કવિતાને સમજયો છું ત્યાં સુધી સંજુ વાળા એ ધૂણાનો કવિ છે અને એક ખૂણાનો પણ કવિ છે.  લેખક-વકતા જય વસાવડા માટે બાપુએ કહ્યું કે આ રાજકોટનો પરિવ્રાજક છે. ચરૈવેતી-ચરૈવેતી. એનો અનુભવ, એનો અભ્યાસ એવો છે, સતત ફરે છે. મોજીલો માણસ છે.

ગુજરાતીને  ઘરમાં સાચવજોઃ પૂ. મોરારીબાપુ

રવીન્દ્રનાથ ટાગોરની વાત કરતાં કરતાં હળવાશથી બાપુએ કહ્યું કે રવીન્દ્રનાથ અને પેલા કવિએ જે વાત અંગ્રેજી ભાષામાં કરી હશે એ એક બંગાળી કથાસ્નેહીએ મને કહી છે અને હું તમને ગુજરાતીમાં એ કહી રહ્યો છું. હવે ગુજરાતીનું પણ ગુજરાતી કરવું પડે એવું ન કરતા. હું પરદેશમાં પણ કથા કરવા જાઉં ત્યાં કહું છું કે ગુજરાતીને જાળવજો. આપણી ભાષાને સાચવજો. આ કંઇ ચાવી દઇએ અને ઉડે એવી ભાષા નથી આ તો પાંખાળી ભાષા છે.

(2:30 pm IST)