મુખ્ય સમાચાર
News of Friday, 10th May 2019

આકાશવાણીએ મને કહી દીધું હતું કે-તમે જઇ શકો છો, બહાઉદ્દીન કોલેજમાં મને એડમિશન અપાયું નહોતું...પણ ધીરજ રાખીએ તો આપણો'ય સમય આવે જઃ પૂ.મોરારીબાપુએ અનેક પ્રસંગો રજૂ કરી સૌને સમજ સાથે હાસ્ય પીરસ્યું

ભારતમાં તારા બહુ ખરે છે, કારણ કે એ પણ હિન્દુસ્તાનના રજકણને પ્રેમ કરે છે: કોઇની ટ્યુબમાં હવા ભરતાં શીખો કાણા પાડતાં નહિ: જે બીજાને જગાડે એ જલ્દી કપાય: રાવણ શિવ ભકત હતો, તેની પાસે મબલખ હતું...પણ શાંતિ અને ભકિત નહોતાં...એ મેળવવા તેણે સિતાજીનું અપહરણ કર્યુ હતું: શબ્દને છોકરાની જેમ ઉછેરવો પડે, એના ઘોડીયા જે તે ડાળીએ ન બંધાયઃ મોરારીબાપુ

 પૂ. મોરારીબાપુએ પોતાના વકતવ્યની શરૂઆત શ્રી રામચંદ્રજી અને શ્રી રામદૂતનું સ્મરણ કરીને કરી હતી. આજના મંગલમય દિવસે એટલે કે અક્ષય તૃતિયાના દિવસે 'અકિલા ઇન્ડિયા પબ્લીકેશન્સ' એની શબ્દ ભણી સફરનો આરંભ કરી રહ્યું છે એવા ટાણે હું અકિલા પરિવારના વડિલ શ્રી કિરીટભાઇ, એમના સમગ્ર પરિવારને ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું. પાશ્ચાત જગતે શબ્દને જે રીતે જોયો હોય તે તેને મુબારક, પરંતુ ભારતના ઋષીમુનીએ શબ્દને બ્રહ્મ તરીકે જોયો છો, 'અકિલા'ની આ શબ્દ ભણીની સફર બ્રહ્મ તરફની સફર બની રહેશે તેવી શુભેચ્છા પાઠવું છું. અખબાર બ્રહ્મનું વ્યાપક સ્વરૂપ બતાવી શકે, અખબાર ભ્રમનું સર્જન પણ કરી શકે. ત્યારે આ અખબાર મંગલમય વિવેકનો માર્ગ અપનાવી રહ્યું છે. આ બે પુસ્તકો સ્વયં આપને આશીર્વાદ આપશે.

માં મિલિન્દ ગઢવી કેવા કવિ છે તેનું વિસ્તૃત વર્ણન કર્ય હતું. તો સાથે પોતે કથાકાર નહોતા અને સંઘર્ષ કરી રહ્યા હતાં ત્યારના પ્રસંગો વર્ણવી અત્યાર સુધી જે રહસ્ય કોઇ જાણતું નહોતું તે 'અકિલા ઇન્ડિયા પબ્લીકેશન્સ'ના આરંભના કાર્યક્રમમાં સોૈ સમક્ષ રજૂ કરી બીજા અનેક અદ્દભૂત પ્રસંગો રજૂ કરી સોૈને સમજ-શીખામણ આપવાની સાથે સાથે હાસ્યરસ વહેતો કરી સોૈને ખડખડાટ હસાવ્યા હતાં. પૂ. બાપુએ કહ્યું હતું કે હું એક વખત આકાશવાણીમાં સ્વર પરિક્ષા દેવા ગયો હતો, મને પાંચેક મિનીટ ગવડાવ્યું પછી કહ્યું-'તમે જઇ શકો છો!'...હું બહાર નીકળ્યો ત્યારે હેમુ ગઢવી સામે મળ્યા હતાં. પણ જ્યારે 'આકાશવાણી' જ થઇ ગઇ હોઇ કે તમે જઇ શકો છો, ત્યારે હેમુભાઇને વાત કરવાનો પણ કોઇ ફાયદો નહોતો. જો કે પછી મેં નિર્ધાર કર્યો કે હું એવું કંઇક કરીશ કે આકાશવાણીવાળા મારા ઘરે આવી રેકોર્ડિંગ કરે. પછી એવુ જ થયું, રોજ અડધા-અડધા કલાકના મારા રામાયણના પ્રસંગો આકાશવાણીએ આદર પૂર્વક પ્રસારીત કર્યા હતાં.

બીજી એક વાત ઉજાગર કરતાં પૂ. શ્રી મોરારીબાપુએ કહ્યું હતું કે હું જુનાગઢની બહાઉદ્દીન કોલેજમાં એડમિશન લેવા ગયો ત્યારે ત્યાં પણ મને 'તમને એડમિશન મળી શકે તેમ નથી, તમારા માર્કસ કંઇ નથી, તમે જઇ શકો છો'...એવું કહી દેવાયું હતું. એ પછી એ જ કોલેજમાં અનેક વખત મને નવા નવા ઉદ્દઘાટન માટે બોલાવાય છે. આથી આ કોલેજ મારા માટે આજે પણ પ્રિય છે. આથી કહેવાનું તાત્પર્ય એ છે કે સોૈનો સમય એક દિવસ આવે જ છે, આપણો સમય આવે જ છે. ધીરજ રાખવી જરૂરી છે. મિલિન્દ ગઢવીને પૂ. બાપુએ ચારણત્વનું સ્વરૂપ ગણાવી કહ્યું હતું કે એને કોઇના સિક્કાની જરૂર નથી. આ કોઇ ગેબી ઢોળાનો કવી  છે અને કોઇ એકલા ખૂણાનો પણ કવી છે. પૂ. બાપુએ  ચાર  વિદ્યાર્થીને શિક્ષક દ્વારા સરવાળાનો હિસાબ પુછાતા ખોટો જવાબ મળવાથી 'તમે જઇ શકો છો' એવું કહેવાયું હતું. એ પ્રસંગ રજૂ કરતાં શીખ આપી હતી કે ચારેય જણાએ ખોટા જવાબ આપ્યા હતાં. છતાં  છેલ્લે જેનો જવાબ સાચા જવાબથી નજીક હતો તેને પાસ કરાયો હતો. આ વાત કહી મોરારીબાપુએ સત્યની નજીક રહેવાની હિમાયત પણ કરી હતી.

શબ્દને છોકરાની જેમ ઉછેરવો પડે, એના ઘોડીયા જે તે ડાળીએ ન બંધાયઃ મોરારીબાપુ

.મિલિન્દ ગઢવીના વખાણ કરતાં પૂ. મોરારીબાપુએ કહ્યું હતું કે મહેક અને શબ્દના મુલ્યનો જાણતલ છે. શબ્દને તો છોકરાની જેમ ઉછેરવો જોઇએ, એના ઘોડીયા જે તે ડાળીએ ન બંધાય. જેને મહેક આવી હોઇ, જેને મુલ્ય સમજાયું હોય ત્યાં તેના ઘોડીયા બંધાય. સરસ્વતિજી પણ એવા લોકોને ઘરે શબ્દને ઝુલાવવાનો અવસર આપતા હોય છે.

ભારતમાં તારા બહુ ખરે છે, કારણ કે એ પણ હિન્દુસ્તાનના રજકણને પ્રેમ કરે છે

.પૂ. મોરારીબાપુએ ખુબ ખીલ્યા હતાં. તેમણે કહ્યું હતું કે વ્યકિતના જીવનમાં સતયુગની શરૂઆત થઇ શકે તેટલા આપણે સત્યની નજીક પહોંચવું જોઇએ. આજે એવી અક્ષય તૃતિયા છે કે જે ભગવાન પરશુરામના કુહાડાથી-ફરસીથી પણ ક્ષય નથી થતો તેવી અક્ષય તૃતિયાના દિવસે સુંદર કાર્યક્રમ રાજકોટના આંગણે યોજાયો છે. અકિલા ઇન્ડિયા પબ્લીકેશન્સ દ્વારા એક સુંદર આયોજન આજના દિવસે થયું  છે અને તેમાં એક ચારણનો દિકરો તેના બે પુસ્તકો રજુ કરે છે એવા આ દિવસનો સુંદર સમન્વય સર્જાયો છે. પૂ. બાપુએ કહ્યું હતું કે આંખના ખુણા અને ઘરના ખુણાને હમેંશા યાદ રાખવા. કવિ મિલિન્દના નન્હે આંસૂ પુસ્તકની અમુક રચના રજૂ કરવા પૂ. બાપુએ આ પુસ્તક ખોલ્યું ત્યારે કહ્યું હતું કે હું હમેંશા ૧૦૮મું પાનુ ખોલુ છુ, ઓલી સરકારની ૧૦૮ નહિ, માળામાં ૧૦૮ હોય એ મને ગમે છે. તેમ કહી એક પાનુ ખોલ્યું હતું. પણ એ રચનામાં છેલ્લી લીટી અંગ્રેજીમાં હોઇ બાપુએ પોતાના પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે આમાં તો આ છેલ્લી લીટી અંગ્રેજીમાં છે, અંગ્રેજી પાછું મને કહેશે કે તમે જઇ શકો છો!...તેમ કહી પૂ. બાપુએ બીજી રચના 'હમ તેરે આસમાં કી ચોખટ સેે ચાંદ કા દર્દ બનકે જલતે હૈ, તુમકો ફુરસદ કહાં સિતારો'નું પઠન કર્યુ હતું.

કાવ્યમાં સિતારો શબ્દ આવતાં પૂ. બાપુએ કહ્યું હતું કે તારા ખરે છે શું કામ? એમ ને એમ રહેતાં હોય તો શું વાંધો, અહિ બીજુ ઘણું ખરે છે. એમાં એને ઉપરથી ખરવાની જરૂર શું છે? મને તો એક ભાઇએ એવું કહેલું  કે ભારતમાં સોૈથી વધુ તારા ખરે છે. અમેરિકા રશિયામાં પણ આટલા તારા નથી ખરતાં. ત્યાંના પોલીસ બેન્ડ હોય તેના તારા સતત વધતા જાય છે, ત્યાં ઓછા ખરે છે. મને લાગે છે કે હિન્દુસ્તાનના રજકણને તારાઓ પણ પ્રેમ કરે છે, આ ભારતની ઋષી મુનિઓની ભૂમિ એવી છે કે જેમાં તારાને પણ ખરીને અસ્તિત્વ ગુમાવીને પણ પણ તે ભારતની ધરતીને ભેટવા આવે છે.

નન્હે આંસૂમાંથી રચનાઓ પઠન કર્યા પછી પૂ. બાપુએ 'રાઇજાઇ'કાવ્ય સંગ્રહ માંગી કહ્યું હતું કે એક વાત યાદ રાખજો સાચા સર્જકનું પુસ્તક હાથમાં હોય તે દિવસે આપણા હાથ વધુ પવિત્ર થાય છે...પછી બાપુએ પાના ફેરવતા કહ્યું હતું કે આમાં ૧૦૮ ગઝલ જ નથી, ૧૦૩એ માળા પુરી થઇ ગઇ...! હવે છેલ્લી જ લઇ લઉ...તેમ જણાવી 'ધાર્યા કરતાં વહેલી થઇ ગઇ, જાત સદંતર મેલી થઇ ગઇ' રચના રજૂ કરતાં સમગ્ર હોલમાં વાહ-વાહના નાદ ગુંજી ઉઠ્યા હતાં.

કોઇની ટ્યુબમાં હવા ભરતાં શીખો કાણા પાડતાં નહિ

. બધા પાસે સાઇકલ હોય ને આપણે પણ સાઇકલ લઇને નીકળીએ તો કોઇને વાંધો નથી, આપણે મર્સિડિઝ લઇને નીકળીએ એમાં જ બધાને વાંધો પડે. બધા પાસે સાઇકલ હોઇ તો બધા રાજી જ થાય, ખાલી એટલુ વિચારે કે પંચર પડે. કેમ કે માનસ સ્વભાવ જ એવો છે, એને બધાની ગતિમાં પંચર પાડવા છે. કોઇની ટ્યુબોમાં હવા ભરતા શીખો, કાણા પાડતા નહિ. જો તમારી પાસે પંપ હોય તો બીજાના હૃદયમાં પ્રાણ વાયુ પુરો. કોઇના ટ્યુબ અને ટાયરની હવા ન કાઢો. પૂ. મોરારીબાપુ આવા અનેક પ્રસંગોમાં  ખીલી ઉઠ્યા હતાં અને સોૈને ખડખડાટ હસાવ્યા હતાં. 

જે બીજાને જગાડે એ જલ્દી કપાય

. પૂ. મોરારીબાપુએ એક પ્રસંગ થકી કહ્યું હતું કે મને એક ભાઇએ કહ્યું હતું કે બાપુ કૂકડાની ડોક જલ્દી કપાય છે, કારણ કે એ બધાને જગાડવાનું કામ કરે છે. જે આ જગતને જગાડવાનું કામ કરે છે એ જલ્દી કપાય છે. પણ મને એમ લાગે છે કે આ અડધું છે, કે એની ગરદન એટલે કપાય છે કે એ માની બેઠો છે કે હું બોલુ છું એટલે સવાર પડે છે. સમાજમાં એવા ઘણા મુરગા છે કે જે માની બેઠા છે કે અમારે લીધે સવાર પડે છે.

રાવણ શિવ ભકત હતો, તેની પાસે મબલખ હતું...પણ શાંતિ અને ભકિત નહોતાં...

એ મેળવવા તેણે સિતાજીનું અપહરણ કર્યુ હતું

.પૂ. મોરારીબાપુએ એક પ્રસંગને યાદ કરતાં કહ્યું હતું કે શાંતિ અને ભકિત અપહરણ કરવાથી નથી મળતી, સમર્પણ કરવાથી મળે છે. તમે ગમે તે પદે હોવ કોઇ દિવસ અપહરણ કરવાથી શાંતિ નથી મળતી. જો રાવણ શિવનો ભકત હતો તો તેણે સિતાજીનું અપહરણ કેમ કર્યુ? તો મારે એ કહેવું છે કે રાવણ એ શિવ ભકત જ હતો. પરંતુ તેણે સિતાજીનું અપહરણ કર્યુ એ સિતાનું નહોતું. સિતાના બે અર્થ છે. શંકરાચાર્યજી સિતાજીને શાંતિ કહેતાં તો તુલસીદાસ સિતાજીને ભકિત કહેતાં. રાવણ ગમે તેમ કરીને ભકિત અને શાંતિ મેળવવા ઇચ્છતો હતો. રાવણ પાસે મબલખ હતું પણ શાંતિ નહોતી, ભકિત નહોતી. આ મેળવવા તેણે સિતાજીનું અપહરણ કર્યુ હતું. પરંતુ અપહરણ કરવાથી શાંતિ પણ નથી મળતી અને ભકિત પણ નથી મળતી. 

(12:43 pm IST)