મુખ્ય સમાચાર
News of Friday, 10th May 2019

'એમ નહિ કે નામ નભમાં ગાજતું કરવું હતું, આપણે તો આ નગરને બસ વાંચતું કરવું હતું'

પબ્લીકેશનનું કામ આજે આત્મઘાતી પગલા જેવું છે, પણ આ સમયે 'અકિલા'એ જે વિચાર અમલમાં મુકયો તે કાબીલેદાદઃ સંચાલક વિરલ રાચ્છ

શબ્દોના એક મહાયજ્ઞનો 'અકિલા'એ 'આરંભ' કર્યો છે

સંચાલક વિરલ રાચ્છે કહ્યું હતું કે આજે  ભગવાન પરશુરામનો જન્મ દિવસ છે, આજે વરસી તપના તપસ્વીઓના પારણાનો પણ દિવસ છે. આજના દિવસે કહેવાય છે કે ગંગાજી આજના દિવસે પ્રગટ થયા હતાં. પણ આજના દિવસના 'આરંભ'ને કોઇ સાથે જોડવો ગમે તેવી કોઇ ઘટના હોય તો એ છે કે મહર્ષિ વેદ વ્યાસે મહાભારત લખાવવાનો આરંભ ગણેશજી પાસે આજના દિવસે કર્યો હતો. આજે એક કાવ્યસંગ્રહ પ્રગટ કરી શબ્દોનો એક મહાયજ્ઞ 'અકિલા'  આજે શરૂ કરવા જઇ રહ્યું છે, એટલે આજનો દિવસ ખુબ સારો છે. રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે આંખ સામે પડેલી વસ્તુનું જ્ઞાન મેળવવા પણ પુસ્તકો વાંચવા, તો ગાંધીજીએ કહ્યું હતું કે પુસ્તકો રત્નોથી પણ વધુ કિંમતી છે.

કાર્યક્રમના સંચાલક વિરલ રાચ્છએ વધુમાં કહ્યું હતું કે-'એમ નહિ કે નામ નભમાં ગાજતું કરવું હતું, આપણે તો આ નગરને બસ વાંચતું કરવું હતું'...જ્યાં જ્યાં છપાયેલો શબ્દ પહોંચી શકે ત્યાં બધાને વાંચતા કરવા અને અને જે વાંચતા હોય તેની સામે વધુ સમૃધ્ધ વાંચન સામગ્રી મુકી શકાય એવા ઇરાદ સાથે 'અકિલા' દ્વારા 'અકિલા ઇન્ડિયા પબ્લીકેશન' શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રથમ દ્રષ્ટીએ જોતાં તો આત્મઘાતી પગલું લાગે છે, પણ આજે આપણે વર્ચ્યુલ દુનિયામાં જીવીએ છીએ. અત્યારે કોઇ માણસને પુછીએ કે ૨૪ કલાક જીવવા માટે તારી પાયાની જરૂરિયાત શું? ત્યારે એ માણસ ઓકિસજનની જરૂર પડશે એમ નહિ કહે, પણ એમ કહેશે કે મારે ત્રણ જીબી ૪-જી ડેટા જોઇશે. આવા સમયમાં જ્યારે નોલેજ કરતાં માહિતીનું વધારે મહત્વ છે ત્યારે કોઇ હિમત આપે અને  જ્ઞાનના પરબ રૂપી પુસ્તકો છાપવાનું નક્કી કરે અને અમલમાં પણ મુકે તો એ વિચાર માટે 'અકિલા' અભિનંદનને પાત્ર છે.  માત્ર પોતાના જ નહિ, આસપાસના અનેકની અંદર પુસ્તક રૂપી અજવાળુ ફેલાવવાનો વિચાર શ્રી નિમિષભાઇ ગણાત્રાને આવ્યો એ ખુબ પ્રશંસનીય છે.

(12:40 pm IST)