મુખ્ય સમાચાર
News of Friday, 10th May 2019

આઇઆઇટી મદ્રાસની પરીક્ષામાં પૂછાયું : ધોની ટોસ જીતે તો પહેલા બેટીંગ લેવી કે ફિલ્ડીંગ?

ચેન્નાઇ તા. ૧૦ : ક્રિકેટની સીઝન ચાલી રહી છે ત્યારે માત્ર રમતના મેદાનમાં જ નહીં, કોલેજના એકઝામ-પેપરમાં પણ ક્રિકેટનો રંગ છવાયેલો દેખાય છે. આઇઆઇટી-મદ્રાસની એક સેમિસ્ટર પરીક્ષામાં પુછાયું હતું કે 'ચેન્નઈ સુપરકિંગ્સનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની જો મેચમાં ટોસ જીતે તો તેણે શું કરવું જોઈએ?'

 

આવો સવાલ કઈ રીતે કોલેજના પ્રશ્નપત્રમાં પુછાઈ શકે એ વિશે પ્રોફેસર વિજ્ઞેશ મુથુવિજયે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે આવો સવાલ પરીક્ષામાં સવાલને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે હતો, બાકી મૂળ સવાલ તો ટેકિનકલ જ હતો.

પ્રશ્નપત્રમાં સવાલ પુછાયો છે કે 'ક્રિકેટની ડે-નાઇટ રમતમાં ભેજની ભૂમિકા મહત્ત્વની હોય છે. મેદાનમાં ભેજ બોલને ભીનો કરી દે છે એને કારણે સ્પિનરો માટે ભીનો બોલ પકડવો અને સ્પિન કરવો મુશ્કેલ બની જાય છે. ફાસ્ટ બોલરો માટે પણ લેન્ગ્થ પર બોલિંગ કરવી મુશ્કેલ બની જાય છે. ઇપીએલમાં સાતમી મેએ ચેન્નઈ અને મુંબઈની કવોલિફાયર મેચ છે. એ મેચ વખતે ચેન્નઈમાં ૭૦ ટકા ભેજ તેમ જ રમત શરૂઆતમાં ૩૯ ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે. બીજી ઇનિંગ્સ શરૂ થશે ત્યારે તાપમાન ૨૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાન હશે. એ માહિતીના આધારે કહો કે ધોની ટોસ જીતે તો તેણે બેટિંગ લેવી જોઈએ કે ફીલ્ડિંગ? વિગતવાર તથ્ય સમજાવીને જવાબ આપો.'

ક્રિકેટ બોર્ડે ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ-અકાઉન્ટ પર આ સવાલનો સ્ક્રીન-શોટ પણ શેર કર્યો છે. વળી, એની સાથે કેપ્શનમાં લખ્યું છે, 'ટોસ જીત્યા બાદ નિર્ણય લેવામાં કોઈ ધોનીને મદદ કરી શકશે?' (૨૧.૫)

(12:00 pm IST)